મેરાન્યૂઝ નેટવર્ક.મોડસાઃ અરવલ્લી જીલ્લામાં સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક મંડળીઓમાં લાખ્ખો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા તાલુકાના બામણવાડ ગામની ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં વર્ષોથી સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ નોકરી દરમિયાન સાબરદાણ અને મકાઈના ભરડાની ૧૦.૨૫ લાખની બોરીઓ અને ૧૩ હજારથી વધુની હંગામી ઉચાપત કરી હોવાનું જીલ્લા રજિસ્ટ્રારના નિમણુંક કરેલ ઓડિટરના ઓડિટમાં બહાર આવતા હડકંપ મચ્યો હતો જીલ્લા રજિસ્ટ્રારે ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં નકલ મોકલી આપી હતી. ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના ચેરમેન અને ગ્રામજનો સ્ટોરકીપર અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પગના તળિયા ઘસી નાખવા છતાં અગમ્ય કારણોસર રૂરલ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી દ્વારા ફરિયાદ નોંધવા માટે ઠાગા-ઠૈયા કરવામાં આવતા હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો હતો. બાદમાં પોલીસે ફરિયાદ અંતે નોંધી હતી.

બામણવાડ ગામની ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં ૧-૦૪-૨૦૧૮ થી ૩૧-૦૩-૨૦૧૯ સુધીનું વેવાદિક ઓડિટ સહકારી મંડળીઓ (દૂધ) બાયડ ઓડિટર ગ્રેડ-૨ ઓડિટર જે.એમ.પ્રજાપતિએ ઓડિટ કરતા ઓડિટ દરમિયાન સ્ટોર કીપર તરીકે ફરજબજાવતા રમણભાઈ રણછોડભાઈ પંચાલે નોકરી દરમિયાન ૬૫૪ બોરી સાબરદાણ કીં.રૂ.૬૭૦૩૫૦/- અને મકાઈ ભરડો ૪૭૪ બોરી કીં.રૂ.૩૫૫૫૦૦/- મળી કુલ રૂ.૧૦૨૫૮૫૦/- વેચાણના રૂપિયા અંગત કામમાં વાપરી નાખી તથા રૂ.૧૩૩૨૫/- ની હંગામી ઉચાપત કરી ગેરરીતિ બહાર આવતા ખળભળાટ મચ્યો હતો તા.૨૨-૦૬-૨૦૧૮ ના રોજ વ્યવસ્થપાક કમિટીએ ઠરાવ નં-૨ થી રમણભાઈ રણછોડભાઈ પંચાલ સામે તેમને વાપરેલ સ્ટોકના નાણાં વસુલ કરવા જરૂરી પોલીસ કાર્યવાહી કરવા મંડળીના ચેરમેનને સત્તા આપી હતી અને દૂધ મંડળીમાં ઉચાપત કરનાર સ્ટોર કીપર રમણભાઈ રણછોડભાઈ પંચાલને છુટા કરી દીધા હતા તથા ૨૩-૦૧-૨૦૨૦ ના રોજ જીલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ-અરવલ્લી કચેરી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા પોલીસ સ્ટેશને ટપાલ મોકલી સહકારી મંડળીના વહીવટમાં દગા-ઉચાપત નાણાકીય ગેરરીતિ કે નાણાકીય અવ્યવસ્થામાં સંડોવાયેલ જણાતા કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી દિન-૩૦ માં થતી હોય સદર મંડળીના ચેરમેન-વ્યવસ્થાપક કમિટીના સભ્યો તરફથી ફરિયાદ રજુ થયે ફરિયાદ નોંધી ગુના રજીસ્ટર નંબર તથા તારીખ જણાવવા તાકીદ કરી છે.

ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના ચેરમેન દયારાભાઈ રામભાઈ પટેલ સ્ટોરકીપર રમણભાઈ રણછોડભાઈ પંચાલે કરેલી સ્ટોક વેચી કરેલ રૂ.૧૦૨૫૮૫૦/- અને હંગામી રૂ.૧૩૩૨૫/- અંગે ફરિયાદ નોંધાવવા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વારંવાર ધક્કા ખાવા છતાં ફરિયાદ નોંધવા ઠાગાઠૈયા કરવામાં આવતો હોવાનો ચેરમેન સહીત ગામના અગ્રણીઓએ આક્ષેપ કરતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે.

મોડાસા રૂરલ પી.આઈ વાઘેલાને ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં સ્ટોરકીપરે કરેલી લાખ્ખો રૂપિયાની ઉચાપત અંગે ફરિયાદ નોંધાયા અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ફરિયાદ નોંધાશે તો તમને જાણ કરીશું કહી ફોન કાપી નાખ્યો હતો. જોકે બાદમાં કેટલાય ઠાગાઠૈયા પછી ફરિયાદ આખરે નોંધાઈ હતી.