મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની  ૧૯૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન મથકો પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર ભારે કતારો લાગી છે ત્યારે મોડાસા તાલુકાના બડોદરા ગામે બેલેટ પેપર પર મત આપવા માટે સિક્કો પ્લાસ્ટિકનો હોવાથી છાપ બરાબર પડતી ન હોવાના આક્ષેપ સાથે મતદાન મથક પર મતદારોએ હોબાળો મચાવતા મામલો બિચકાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મતદાન મથક પરથી ટોળા દૂર કર્યા હતા. ગ્રામજનોએ પોલીસે મતદારો પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તંગદિલી ભર્યો માહોલ સર્જાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને મતદાન પ્રક્રિયા પૂર્વરત કરાઈ હતી. 

મોડાસા તાલુકાના બડોદરા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રાથમિક શાળાના બુથ.નં-૧ પર મતદાન માટે પ્લાસ્ટિકનો સિક્કો વાપરવામાં આવતા અને સિક્કાથી મતદાન કરતા એક બાજુન છાપ જ પડતી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા મતદાન મથક પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મતદાન પ્રક્રિયા અટકી જતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ટોળા વિખેરી નાખ્યા હતા. ગ્રામજનોએ પોલીસ પર બળનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કરી મતદારો પર લાઠીઓ વરસાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

Advertisement


 

 

 

 

 

બડોદરા ગામના ગ્રામજનોએ પ્રીસાઈન્ડીંગ ઓફિસરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે  બુથ.નં-૧ પર સવારે ૭ વાગ્યા થી ૧૧ વાગ્યા સુધી થયેલ મતદાનમાં સિક્કો માત્ર એક બાજુ હોય અને મતદાનની પૂરતી છાપ પડતી ન હોવાથી મતપેટી બદલી નવી મતપેટી મુકવા અને જેના કારણે આ ગેરરીતિ થઇ છે. તે જવાબદાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પુનઃ મતદાન કરવામાં આવેની માંગ કરી હતી.