મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ પતિ-પત્ની લગ્નના સાત ફેરા ફરતી વખતે અગ્નિની સાક્ષીએ સાથે રહેવાના વચન આપતા હોય છે પણ હાલના સમયમાં ઘણા કિસ્સાઓમાં પતિ-પત્નીના પવિત્ર અને મજબૂત સંબંધને ભૂલીને ન કરવાનું કરી દે છે. મોડાસા શહેરના મેઘરજ બાયપાસ ચોકડી નજીક આવેલા અયોધ્યાપુરી ફ્લેટમાં ચોથા માળે રહેતી ૩૨ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. આત્મહત્યાના બનાવના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા અયોધ્યાપુરીમાં રહેતા અને નજીકમાં ૩૨ વર્ષિયમાં મહિલાએ ગૃહકંકાસમાં આત્મહત્યા કરી લેતા પરિવાજનો પર આભ તૂટી પડ્યું હતું. અયોધ્યાપુરી ફ્લેટમાં પરિવાર સાથે રહેતી સોનલબેન ઉર્ફ ગુડ્ડી દક્ષેશ ભાઈ ઉપાધ્યાય (મૂળ. રહે. સાઠંબા) નામની ૩૨ વર્ષીય મહિલાને તેના પતિ સાથે રસોઈકામ અને ઘરકામ અંગે ટકોર કરતા મહિલાને લાગી આવ્યું હતું. જેને પગલે બુધવારે રાત્રીના સુમારે ઘરમાં રહેલા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી.

ફ્લેટમાં મહિલાએ આત્મહત્યા કરી લેતા મહિલાના સગા-સંબંધીઓ અને આજુબાજુથી લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મૃતક મહિલાના માસુમ બાળકોએ રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. અયોધ્યાપુરીમાં મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાની પરિવારજનોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.