મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વાયરસના કારણે દેશને ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે.ગુજરાતમાં કોરોનાનો કહેર બીજા રાજ્યોની સરખામણીએ કુદકેને ભૂસકે વધી રહ્યો છે આ વાયરસને ફેલાવતો અટકાવવા પોલીસ તંત્ર જીવન જોખમે ખડેપગે સતત લોકોને લોકડાઉનનું પાલન કરાવે છે. ત્યારે કેટલાક લોકો બિન જરૂરી બહાર નીકળીને લોકડાઉનનો ભંગ કરી શુરવીરતા બતાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર લોકડાઉનની અમલવારી માટે કમરકસી છે. મોડાસા શહેરના ચાર રસ્તા પર બેરિકેડ ગોઠવી દઈ રખડપટ્ટી કરતા વાહનચાલકોને ડિટેનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એલસીબીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કલેક્ટરના જાહેરનામાનાનો ભંગ કરી જ્યુપિટર પર પસાર થતા પિતા-પુત્રને અટકાવતા બંને શખ્શો દાદાગીરી પર ઉતરી આવી પોલીસકર્મચારીની ફેટ પકડી બિભસ્ત ગાળો બોલી ઝપાઝપી કરતા ભારે ચકચાર મચી હતી. પોલીસ પિતા-પુત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

મોડાસા ચાર રસ્તા પર લોકડાઉનની અમલવારી માટે મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા પોલીસતંત્રના કર્મચારીઓ  લોકડાઉનની અમલવારી માટે રાઉન્ડ ઘી ક્લોક ફરજ બજાવી બજાવી રહ્યા છે. જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિક્રમસિંહ વક્તાભાઈ ચાવડાએ ચાર રસ્તા પરથી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી જ્યુપિટર (ગાડી.નં.GJ 31 E 6931 ) સ્કૂટર પર પસાર થતા હર્ષ અશ્વિનભાઈ પટેલ અને અશ્વિનભાઈ શંકરભાઇ પટેલ (રહે,એ-૩૫, નાલંદા-૨, મોડાસા)ને અટકાવતા પિતા-પુત્ર આવેશમાં આવી ગયા હતા. તેમણે પોલીસ કર્મચારીની ફેટ પકડી લઈ બિભસ્ત ગાળો બોલી ઝપાઝપી કરતા ગાળાના ભાગે નખ વાગતા પોલીસ કર્મચારી આવાક બન્યો હતો. પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી થતા નજીકમાં રહેલા એલસીબી પીઆઈ મનીષ વસાવા અને ટાઉન પી.આઈ વાઘેલા અને પોલીસકર્મચારીઓ દોડી આવતા તેમની સાથે પણ ઝપાઝપી કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ અચંબિત બન્યા હતા.

પિતા-પુત્રની લુખ્ખી દાદાગીરીના પગલે બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિક્રમસિંહ વક્તાભાઈ ચાવડા (પો.કો.એલસીબી અરવલ્લી) ની ફરિયાદના આધારે હર્ષ અશ્વિનભાઈ પટેલ અને અશ્વિનભાઈ શંકરભાઇ પટેલ (રહે, એ-૩૫, નાલંદા-૨, મોડાસા) વિરુદ્ધ ઈપીકો કલમ-૩૩૨, ૩૨૩, ૫૦૪, ૧૮૬, ૧૮૮, ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

ટીંટોઈ ગામે લોકોએ તેમના વિસ્તારમાં લગાવેલા બેરિકેડ એક શખ્શે હટાવતા પોલીસ ફરિયાદ

ટીંટોઈ ગામમાં વોર્ડ નં-૬ ના રહીશોએ તેમના વિસ્તારમાં અજાણ્યા માણસો માટે પ્રવેશબંધી કરી તેમના વિસ્તારના પ્રવેશ દ્વાર આગળ આડાશ ઉભી કરવામાં આવતા તેમના વિસ્તારમાં રહેતા મોહમ્મદ આરીફભાઇ જીવાભાઈ ટીંટોઇયાએ અગમ્ય કારણોસર તેમના વિસ્તારના લોકો સાથે બોલાચાલી કરી આડાશ ખોલી નાખતા ભારે હોબાળો મચાવાની સાથે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ અંગે રહીશોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મોહમ્મદ આરીફભાઇ જીવાભાઈ ટીંટોઇયાની અટકાયત કરી કલેક્ટરના જાહેરનામાના ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.