મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લીની ગિરિમાળાઓને અડીને આવેલ ગામડાઓના રહેણાંક વિસ્તારોમાં ત્રાટકી બકરીઓ અને પશુઓનું મારણ કરતા પશુપાલકો અને લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. ખૂંખાર દીપડાઓને પાંજરે પુરવા વનવિભાગ તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે ત્યારે મોડાસાના વણીયાદ ગામ નજીક આવેલા મોરાના જંગલ વિસ્તારમાં દીપડાનો પરિવાર જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વનવિભાગ તંત્રને જાણ કરતા વનવિભાગ ટીમે દીપડાને પાંજરે પુરાવા મારણ સાથે મોરાના જગલમાં પાંજરું મુકતા દીપડો શિકાર કરવાની લાલચ રોકી નહીં શકતા આબાદ પાંજરામાં ફસાયો હતો.
પાંજરામાં ફસાયેલા દિપડાએ છૂટવા માટે ભારે ધમપછાડા માર્યા હતા. વનવિભાગના ચોકીદારને પંજો મારતા ઈજાઓ પહોંચી હતી દીપડો પાંજરે પૂરતા મોરા સહીત આજુબાજુ પંથકના લોકો બાઈક ટ્રેકટર સહીત વીવીધ વાહનો મારફતે જોવા ઉમટ્યા હતા. પાંજરે પુરાયેલ ખૂંખાર દીપડાને ટ્રેકટરમાં મોડાસા ખસેડાતા રસ્તામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો પણ રોડ પર ઉમટતા જાણે વનવિભાગ તંત્રએ દીપડાનો વરઘોડો કાઢ્યો હોય તેવા દ્રશ્યો પેદા થયા હતા.
મોરાના જંગલમાં દીપડો દેખા દેતા અને મોરા તેમજ નજીકના કુણા ગામે ચાર દિવસમાં ખૂંખાર દીપડો બે બકરાનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાને પાંજરે પુરવા વનવિભાગને જાણ કરતા તંત્રે જંગલ વિસ્તારમાં મારણ સાથે પાંજરું મુકતા આખરે સોમવારે રાત્રે કદાવર દિપડો પાંજરે પુરાતા તોફાન કરવા માંડયો હતો. અને બહાર નીકળવા ખૂંખાર ઘુરકીયા કાઢી ધમ પછાડા કરતાં આજુ બાજુમાં રહેતા લોકો ધસી આવ્યા હતા. દિપડો પાંજરે પુરાયા હોવાના ફોટા ઘડીકવારમાં સોશિયલ મીડિયામાં ફરતા થતા લોકટોળા તેને જોવા માટે ધસી ગયા હતા.જો કે, લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ હજુ પણ બે બાળ દીપડા હોવાનું જણાવ્યું હતું. પાંજરે પુરાયેલ દીપડાને ટ્રેકટરમાં મોડાસા ખસેડાતા રોડ પરના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને વનવિભાગના ટ્રેકટરને અટકાવી દીપડાને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.