મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફીકના નિયમનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી સતત અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે. મોડાસાના સાકરીયા નજીક રોંગ સાઈડ આવતા બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર અને બાઈક ફૂટબોલની માફક ફંગોળાઈ રોડ નજીક આવેલ ખેતરમાં ખાબકતા કાર અને બાઈકનો કડૂચાલો નીકળી ગયો હતો. અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુથી દોડી આવેલા લોકોએ અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર અર્થે દવાખાને ખસેડી દીધા હતા. 

બુધવારે બપોરના સુમારે, મોડાસા-ગોધરા હાઈવે પર આવેલા સાકરીયા ગામ નજીક બાઈક ચાલક રોંગ સાઈડે આવી રહ્યો હતો. સામેથી ફુલસ્પીડે આવતી કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક અને કાર હવામાં ફંગોળાઈ રોડ નજીક આવેલા ખેતરમાં ખાબક્યા હતા. બાઈક સવાર બે રાજસ્થાની યુવક સહીત ત્રણ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ધડાકાભેર અકસ્માતને પગલે ગ્રામજનો દોડી આવ્યા હતા અને ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડી દીધા હતા. અકસ્માતની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.