મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક કોર્પોરેટરને લોકો દ્વારા કથિત રંગ રલીયા મનાવતો રંગે હાથે ઝડપી પાડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એમ.આઈ.એમના મોડાસા પ્રમુખ ગુલામ એહમદ ખેરાડાએ કોર્પોરેટર રફીક શેખને તેના કથિત કૃત્ય બદલ પક્ષમાંથી તાતત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેતા કોર્પોરેટરના રાજકીય ભવિષ્ય પર જાણે હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાય ગયું છે.

આ કથિત બનાવની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર એવી છે કે રવિવારની રાત્રીના સમયે કોર્પોરેટર રફીક શેખ ઘાંચી વાડા મસ્જિદ પાછળ રહેતી એક સ્ત્રીના મકાનમાં કથિત રંગરલીયા  મનાવવા ઘૂસ્યો હતો. જોકે છેલ્લા ત્રણ દિવસથી તાકમાં બેઠાલા કેટલાક લોકોએ જેવો રફીક શેખ અંદર ગયો કે તરત જ બહારથી દરવાજો બંધ કરી દીધો અને હોબાળો કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ રફીક શેખને સ્ત્રીના ઘરમાંથી બહાર કાઢી મેથીપાક ચખાડ્યો હતો.

ઘટનાની જાણ થતાં એમ.આઈ.એમ ના પ્રમુખ ગુલામ એહમદ ખેરાડાએ ઘટના સ્થળે પહોંચી રફીક પાસેથી પક્ષમાંથી રાજીનામુ લખાવી લીધું હતું. ત્યારબાદ સોમવારે પક્ષના હોદ્દેદારોની મિટિંગમાં રફીકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો પત્ર પાલિકા ચીફ ઓફીસર તેમજ જિલ્લા કલેકટરને રવાના કર્યા છે.