મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા તા.૧૦-૦૫-૨૦૨૧ થી તા.૨૫-૦૫-૨૦૨૧ દરમ્યાન લેવામાં આવનાર છે ત્યારે ૧૪ એપ્રિલથી પવિત્ર રમજાન માસનો પ્રારંભ થઇ રહ્યો છે. જે ૧૪ મેં પૂર્ણ થતા રમજાન ઈદનો પવિત્ર તહેવાર હોવાથી જેથી લઘુમતી સમાજના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને તૈયારીમાં અસર થઇ શકે તેમ હોવાથી બોર્ડ પરીક્ષાની તારીખ ફેરફાર કરવાની માંગ સાથે મોડાસા નગરપાલિકામાં ચૂંટાયેલ AIMIM ના કોર્પોરેટરોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સ્થાનીક સ્વરાજ્યની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મોડાસા નગરપાલિકામાં ભાજપ પછી બીજા પક્ષ તરીકે AIMIM ઉભરી આવ્યો હતો. જેમાં AIMIMના ૯ કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે. AIMIMના કોર્પોરેટરોએ જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે મોડાસા શહેર સહીત સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાના કાર્યક્રમ દરમ્યાન ૨૭ મો રોજો અને તેના ત્રણ દિવસ પછી રમજાન ઈદનો તહેવારનો પ્રસંગ આવી જતો હોવાથી પરીક્ષાની તૈયારીમાં અને પરીક્ષામાં અસર પડી શકે તેમ હોવાથી અને બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્વનો રોલ હોવાથી બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માંગ કરી છે.