મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મહિલા અત્યાચાર અને દુષ્કર્મના કેશો અને મહિલાઓની છેડતીના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કાયદાનો ડર હેવસખોરોને રહ્યો ના હોય તેમ બેફામ બન્યા છે. મોડાસા શહેરની એક સોસાયટીમાં એક મહિલાના ઘરમાં સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં રહેતો શખ્શ પહોંચી મહિલા સામે બિભસ્ત માંગણી કરતા મહિલાએ પ્રતિકાર કર્યો હતો. જે વખતે હેવાન બનેલા શખ્શે મહિલાને ચપ્પાના ઘા ઝીંકતા મહિલાએ બુમાબુમ કરી હતી. જેથી શખ્શ ફરાર થઈ ગયો હતો. આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડી હતી. મોડાસા ટાઉન પોલીસે જગદીશ શંકર ડામોર નામના શખ્શ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સ્થાનિકોનું માનીએ તો મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાથી દારૂડિયાઓ દારૂની મહેફિલ માણી બિન્દાસ્ત બનતા હોય છે અને મહિલાઓ અને યુવતીઓની છેડતી પણ કરવાની સાથે બિભસ્ત ચેનચાળા કરતા હોવાની ઘટનાઓ બનતી રહે છે.

મોડાસાની એક સોસાયટીમાં મહિલા ઘરે એકલી હોવાથી સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં રહેતો જગદીશ શંકરભાઇ ડામોર નામના શખ્શે મહિલાને ઘરે એકલી જોતા મહિલાના ઘરમાં પ્રવેશ કરી મહિલા પાસે બિભસ્ત માંગણી કરી હતી. તેની માગણી સાંભળી મહિલાના હોશ ઉડી ગયા હતા. મહિલાએ પ્રતિકાર કરતા હવસખોરે ચપ્પાની અણીએ તાબે કરવાનો પ્રયત્ન કરતા મહિલાએ બુમાબુમ કરતા મહિલાના ગળાના ભાગે અને છાતીના ભાગે ચપ્પાના જીવલેણ ઘા ઝીંકાતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ બુમાબુમ કરતા શખ્શ ભાગી ગયો હતો.

આજુબાજુમાં રહેતા લોકોએ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડી હતી. સમગ્ર ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા દવાખાને પહોંચી ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે જગદીશભાઈ શંકરભાઇ ડામોર (રહે, સર્વોદય નગર, ડુંગરી, મોડાસા) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૭, ૩૫૪ (ક), ૪૫૨, ૫૦૬ (૨), તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.