મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસા શહેરમાં દિવસે થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ લઈ ભંગાર વીણવા નીકળી રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપતી કાલબેલિયા ગેંગના સાગરીતને કુમકુમ પાર્ટી પ્લોટ પાછળથી ચોરી કરેલ ફ્રિજ અને એસીના કોમ્પ્રેસર અને આઉટડોર એસી સાથે પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયાને ઝડપી પાડી મોડાસા કોલેજ રોડ પર આવેલ લાલા કુલિંગ અને સાગર એસી ફ્રીજ રીપેરીંગ નામની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. કાલબેલિયા ગેંગના અન્ય સાગરીતોની ચોરીમાં સંડોવણી અંગે વધુ તપાસ હાથધરી હતી.
 
મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલ લાલા કુલિંગ અને ફ્રિજ એસી રીપેરીંગ નામની દુકાન આગળ મુકેલ એસી અને ફ્રિજના કોમ્પ્રેસર અને એસી આઉટડોર ની ચોરીની ઘટના બનતા આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા અને બાતમીદારોને સક્રિય કરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ઝીણવટભરી તપાસ હાથધરી હતી. જેમાં દિવસ દરમિયાન મોડાસા શહેરમાં થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ લઈ ભંગાર વીણવા નીકળતી કાલબેલિયા ગેંગની સંડોવણી બહાર આવતા પોલીસે શહેરમાં ભંગાર વીણવા નીકળતી ગેંગનું પગેરું દબાવ્યું હતું અને મોડાસા શહેરના મેઘરજ રોડ પર આ ગેંગે પડાવ નાખ્યો હોવાની બાતમી મળતા મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ પાછળથી કાલબેલિયા ગેંગના પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયા (રહે,બાંસગામ,ઉદેપુર-રાજસ્થાન) ઝડપી પાડી ચોરી કરેલ એસી ફ્રિજના કોમ્પ્રેસર અને એસીનું આઉટડોર મળી રૂ.૨૯૦૦૦/- અને  થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ મળી કુલ રૂ.૭૯૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.