મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ શનિવારે રાત્રે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા બે વિદ્યાર્થી પાંખ સાંઈ મંદીર નજીક બાખડી પડ્યા પછી એસએફઆઈના કન્વીનર માનસી રાવલે તેમની સાથે ટોળામાં ધસી આવેલા યુવકોએ હુમલો કર્યો હોવાનું જણાવ્યા બાદ ભારે હોબાળો થયો હતો. એસએફઆઈના સમર્થનમાં કોંગ્રેસ અગ્રણી પણ પહોંચ્યા હતા અને યુવતીઓ પર હુમલો અને ગેરવર્તણૂંક કરનાર કસુવારો સામે શખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે રોડ પર ચક્કાજામ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારે માનસી રાવલે એબીવીપી સામે કરેલા આક્ષેપ પાયા વિહોણા હોવાની સાથે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાં મત આપવા એક યુવકને એફએફઆઈની ટીમે હાથચાલાકી કરી હોવાનું જણાવી ચૂંટણીમાં લાભ ખાટવા રાજકીય સ્ટંટ કર્યો હોવાનું અને ગુજરાતમાં કેરળ જેવી સ્થિતી ઊભી કરવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાનું એબીવીપીના પ્રાંત મીડિયા સેલના સમર્થ ભટ્ટએ પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું હતું.


 

 

 

 

 

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા મોડાસા શહેરમાં કેરલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શનિવારે રાત્રે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાની કન્વીનર માનસી રાવલ તેના સંગઠનના યુવક-યુવતીઓ સાથે સાંઈ મંદીર નજીક બેઠા હતા. ત્યારે એક વિદ્યાર્થી અને એસએફઆઈની ટીમ વચ્ચે બોલાચાલી થયા પછી યુવકના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવકોનું ટોળું ધસી આવ્યું હતું. ટોળા અને એસએફઆઈની ટીમ વચ્ચે થયેલ બબાલથી હોબાળો મચી ગયો હતો. એસએફઆઈની કન્વીનર માનસી રાવલે એબીવીપી અને ભાજપ સાથે સંકળાયેલ લોકોએ તેને અને અન્ય સદસ્યોને મારતા મારતા દૂર સુધી ઢસડી ગયા હોવાનું જણાવતા યુવતીના સમર્થનમાં કોંગ્રેસના અગ્રણી જયદત્તસિંહ પુવાર અને કામદાર અગ્રણી ડાહ્યાભાઈ જાદવ દોડી આવ્યા હતા. યુવતીઓ સાથે થયેલ ગેરવર્તણૂંક કરનારા સામે શખ્ત કાર્યવાહીની માંગ કરી રોડ પર ચક્કાજામ કરતા પોલીસ કાફલો ધસી આવ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એસએફઆઈની કન્વીનર માનસી રાવલે ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવવા આજીજી કરી હોવા છતાં ફરિયાદ નોંધી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

સોમવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદના પ્રાંત કન્વીનર સમર્થ ભટ્ટ અને અરવલ્લી એબીવીપીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું હતું કે, એબીવીપી સામે થયેલા આક્ષેપ તથ્ય વિહોણા છે અને એસએફઆઈની કન્વીનર માનસી રાવલે જ ધ્રુવ પંચાલને સામેથી ફોન કરી એસએફઆઈ સંગઠનના કેરળના અને ગુજરાતમાં રહેતા નીતીશ મોહન મળવા માંગે છે કહી બોલાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરવા અને કોંગ્રેસ અગ્રણી જયદ્રથસિંહ સાથે વાત થઈ ગઈ છે. તે માટે સમજાવતા ધ્રુવે સ્પષ્ટના પાડી જેને લઈને તેને ધમકી આપી અને માર મારવામાં આવ્યો હતો તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સામાન્ય જનતા ભેગી થઈ જતા આખી ઘટનાનું જુદું અને જૂઠું જ ચિત્ર SFI દ્વારા બધા વચ્ચે રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના વિદ્યાર્થી જગતમાં નિંદનીય છે. રાજનીતિક સ્વાર્થ માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો અને ભયનો માહોલ ઊભો કરવાનું કામ અરવલ્લી જિલ્લા માં SFI દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.