મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્યમાં કોરોનાના ભયાનક સંક્રમણના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. ઓક્સીજન કે વેન્ટીલેટર પણ મળતો નથી અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહ્યા છે. ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સીજનની તંગીના લીધે તબીબો ઓક્સીજનની જરૂરિયાત વાળા દર્દીઓને દાખલ કરવામાં પણ લાચારી અનુભવી રહ્યા છે ત્યારે મોડાસાની ખાનગી અભિગમ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સીજન ખૂટતા તબીબો સાથે દર્દીઓ અને પરિવારજનો ચિંતીત બનતા આખરે હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો અને સગા-સબંધીઓ કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને રજુઆત કરતા ઘટનાની ગંભીરતા સમજી કલેકટરે તંત્રને ઓક્સીજન સીલીન્ડરની તાબડતોડ વ્યવસ્થા કરવાની તાકીદ કરતા અભીગમ હોસ્પિટલમાં તાતી જરૂરિયાત મુજબ ૨૧ ઓક્સીજન બોટલ ફાળવી અપાતા દર્દીઓના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. 

રાજ્યમાં ઓક્સીજનના અભાવે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા હોવાની ઘટનાઓ સતત બહાર આવતી હોય છે ત્યારે મોડાસાની અભિગ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સીજનની તંગી સર્જાતા દર્દીઓ અને પરિવારજનો ફફડી ઉઠ્યા હતા અને તેમના સ્વજનને ઓક્સિજનના અભાવે જીવ ગુમાવવાની નોબત આવે તે પહેલા અધીક જીલ્લા કલેકટરને રજુઆત કરતા તાબડતોડ ઓક્સીજન પૂરો પાડવામાં આવ્યો હતો. 


 

 

 

 

 

કોરોનાથી કથળેલ સ્‍થ‍િતિમાં જીલ્‍લાના દર્દીઓને પુરતી સમયસર સારવાર મળે તે માટે જીલ્‍લામાં કેટલીક ખાનગી હોસ્‍પીટલોને કોવિડની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. આ તમામ ખાનગી હોસ્‍પીટલો પણ ઓકસીજન ઘટની સમસ્‍યાનો સામનો કરી રહી હોવાનું જાણવા મળેલ છે. તો કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેડમીસીવર ઇન્‍જેકશનનોની અછતનો પણ સામનો ખાનગી હોસ્‍પીટલો કરી રહી છે. બંન્‍ને સમસ્‍યાનો સરકાર અને તંત્ર વ્‍હેલીતકે અંત લાવે તેવી માંગણી કરી રહયા છે.

એક તરફ જીલ્‍લાની કોવિડ હોસ્‍પીટલમાં તબીબી સ્‍ટાફ કોરોનાના દર્દીઓના જીવ બચાવવા માટે રાત-દિવસ એક કરી પોતાની ફરજ બજાવી રહયા છે. તો બીજી તરફ જવાબદાર તંત્ર અને સરકાર ઓકસીજનની ઘટ પુરી કરવા પુરતી સુવિઘા ઉપલબ્‍ઘ કરાવવામાં વામણું પુરવાર થઇ રહયુ હોય જેના કારણે તબીબી-નર્સીગ સ્‍ટાફને મોટી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે.