મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. આવો એક કિસ્સો મોડાસાના મહાદેવપુરા ગામે બહાર આવતા ચકચાર મચી હતી. મહાદેવપુરા ગામે પ્રેમી સાથે વાતો કરતી સગીરાને પિતા જોઈ જતા મનમાં લાગી આવતા કુવામાં જંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે ગામની ૧૬ વર્ષીય સગીરા ગામના જ યુવકના પ્રેમમાં પડી હતી. બંને પ્રેમી-પંખીડા છાને-છુપને મળતા હતા, દાદા અને માતા સાથે ખેતરમાં કામકાજ અર્થે ગઈ હતી. સગીરાનો પ્રેમી મળવા ખેતરમાં પહોંચતા બંને ખેતરમાં વાતો કરતા હતા. તે સમયે તેના પિતા ખેતરમાં આવી ચઢતા બંનેને વાતો કરતા જોઈ જતા સગીરા ગભરાઈ ગઈ હતી સાથે મનમાં લાગી આવતા ખેતર નજીકમાં આવેલા કુવામાં જંપલાવી જિંદગી ટૂંકાવી દિધી હતી. ઘટનાને પગલે ભારે ચકચાર મચી હતી. સગીરાએ કુવામાં કૂદી આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મહાદેવપુરા જેવા નાના ગામમાં સગીરાની આત્મહત્યાના પગલે ભારે શોકની લાગણી ફેલાઈ હતી.

સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી સગીરાના મૃતદેહને પીએમ માટે મોકલી આપી સગીરાના પિતાની ફરિયાદના આધારે એ.ડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.