મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : ગુજરાત સરકાર 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. દોલપુરની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા બાયડ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મહિલામાં લોહીની ઉણપ હોવાથી તબીબે મહિલાની પ્રસૂતિમાં જોખમ પેદા ન થાય તે માટે મોડાસા હોસ્પિટલમાં ખસેડવા પરિવારજનોને તાકીદ કરતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા ખસેડાતા રસ્તામાં મહિલાને અસહ્ય પ્રસુતિની પીડા ઉપડતા માતા અને બાળકને જોખમ જણાતા તાબડતોડ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફે એમ્બ્યુલન્સની અંદર સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવી લીધો હતો.
 
દોલપુર ગામના વતની ફીરોજાબીબી ને પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓ બાયડ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા. પરંતુ તેમનું લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી પ્રસુતિની સમયે વધુ જોખમ ન થાય તે માટે તેમને મોડાસા હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી હતી. તે દરમિયાન 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા બાયડથી  108 એમ્બ્યુલન્સ મહિલા દર્દી સુધી પહોંચી તેમને લઈને મોડાસા હોસ્પિટલ જવા માટે રવાના થઇ ગયા હતા. પરંતુ મોડાસા પહોંચતા પહેલા જ રસ્તામાં પ્રસૂતિની પીડા વધતા 108 એમ્બ્યુલન્સને રસ્તાની બાજુમાં ઊભી કરીને પ્રસુતિની પૂર્વ તૈયારી કરી ફરજ પરના EMT રવિ સોલંકી અને પાઇલોટ કરણ કુમાર ની મદદથી સમય સૂચકતા જાળવી 108 એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી.અને ત્યારબાદ મહિલાને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.108 એમ્બ્યુલન્સની તાત્કાલિક કરેલ પ્રશંશનીય કામગીરીને જિલ્લા વાસીઓએ બિરદાવી હતી.