મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ મધુ શ્રીવાસ્તવનું નામ અવાર નવાર વિવિધ વિવાદો સાથે જોડાતું રહ્યું છે, ક્યારેક મીડિયા પર બેફામ નિવેદન બાજી તો ક્યારેક જાહેરસભામાં, આવા તો અઢળક વિવાદો તેમની સાથે જોડાયા છે. હવે એક અલગ જ બાબત સામે આવી છે.  હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે યુવા સેના દ્વારા આઈજીપીને ફરિયાદ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વડોદરાના વાઘોડિયા વિસ્તારના ભાજપના ધારાસભ્ય દ્વારા ખટંબા ગામની સિદ્ધનાથ મહાદેવની જમીનને રેકર્ડ સાથે ચેડા કરીને પુજારીના નામે કરીવી અને પછી વીલના નામે મંદિર પચાવી પાડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખટંબા ગામની સીમમાં સર્વે નં. 121 બ્લોક નં. 78ની બારખલી ધર્માદા પ્રકારની સિદ્ધનાથ મહાદેવ મંદિરની જમીન દેશી રાજ્યના વિલિનીકરણ પહેલા ગાયકવાડ સરકારની હતી જે પુજારીને આપવામાં આવી હતી. જોકે આ જમીન ક્યારેય કોઈની પણ તરફેણમાં તબદીલ થઈ શકે નહીં. જેને કારણે જમીનના વહીવટકર્તા અથવા પુજારીને લાગુ ના પડે છતાં મંદિરની જમીનના રેકર્ડ સાથે ચેડા કરીને સિદ્ધનાથ મહાદેવનું નામ ચાલતું હતું તે નામ કમી કરી પુજારી ભગવાનપુરી ગોવિંદપુરીનું નામ દાખલ કરાવ્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

હવે મંદિરનું નામ ડીલીટ થઈ ગયું અને પછી પુજારીએ 1993થી તેમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને વીલ કરીને આપી. ધારાસભ્યએ પોતે વીલના આધારે બોગસ રીતે ખેડૂત બની ગયા અને મહાદેવની જમીન પચાવી લીધી. આમ આવી રીતે જમીન પચાવી પાડ્યાના આક્ષેપો યુવા સેના દ્વારા કરવામાં આવ્યા છે. હવે મધુ શ્રીવાસ્તવનું કહેવું એવું છે કે, હું એકલો વીલથી ખેડૂત નથી બન્યો, વડોદરાના અનેક લોકો બન્યા છે. મંદિરો માટે અડધી જીંદગી અમે ગુમાવી છે. મેં એક ફૂટ પણ કોઇની જમીન પચાવી હોય તેવું સાબિત કરે તો રાજકારણ છોડવા તૈયાર છું. જેણે પણ આ કૃત્ય જેને કહેવાથી કર્યું છે એ મારું કશું બગાડી લે તેમ નથી. મંદિરના મહંતે વર્ષ 1988માં જમીન વીલથી લખી આપી હતી અને પછી આ જમીનનો કેટલોક ભાગ નેશનલ હાઈવેમાં તથા સર્વિસ રોડમાં જતો રહ્યો, હવે માત્ર 4 હજાર ચોરસ ફૂટ જમીન બચી છે. આ જમીન મને કોઈ કામની નથી. વડોદરા શહેરના અનેક મોટા બિલ્ડર્સ વીલથી ખેડૂત બની ગયા છે. પોતાના આ નિવેદન દરમિયાન તેમણે ફરી એક વાર મીડિયા સાથે ગેરવર્તન કર્યું હોવાના પણ આક્ષેપો થયા છે.