મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હાલમાં ગુજરાત વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠકો દરમિયાન ઘણા બધા નેતાઓ પોતાના કદથી હાઈકમાન્ડનું નાક દબાવવાના પ્રયત્નો કરે તેવું ઘણીવાર જોવા મળે છે. તેમાં પક્ષ ગમે તે હોય નેતાઓની આ ટેક્નીક એક પ્રકારના જુગાર સમાન હોય છે પત્તુ સીધું ન પડ્યું તો ઠીક પણ જો સીધું પડી ગયું તો ઘી કેળા... આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલ પર સીધા આક્ષેપો કરીને ઉમરેઠના ધારાસભ્યએ રાજીનામું આપવાની તૈયારીઓ કરી લીધી હતી, પણ રુપાણીને મળ્યા પછી ધારાસભ્ય રીતસર પાણીમાં બેસી ગયા છે.

વાત એવી છે કે, ઉમરેઠના ધારાસભ્ય ગોવિદ પરમારે રાજીનામાની ચીમકી આપી દીધી હતી. તેમણે એવા આક્ષેપો કર્યા હતા કે, સાંસદે અમૂલ ડેરીની ચૂંટણીમાં મને હરાવ્યો છે. સાંસદ એવુ સમજે છે કે હું નરેન્દ્ર મોદી જેવો થઇ ગયોે છું. પણ એને ખબર નથી. જે ઉપર લઇ જાય છે તે ઢસેડીને પાતાળે પણ પાડે છે તેવી તાકાત ધરાવીએ છીએ. જોકે તેમની નારાજગીનું કારણ એવું જાણવા મળ્યું છે કે અમૂલ ડેરીમાં સરકારી પ્રતિનિધિઓ તરીકે ત્રણ વ્યક્તિની જે નિમણૂંકો થઈ છે તે બાબત પર તેમની નારાજગી છે... હતી.. 

મુખ્યમંત્રી વિજય રુપાણી અને ગોવિંદ પરમાર વચ્ચે આ મામલે મુલાકાત ગોઠવવામાં આવી હતી. દંડક પંકજ દેસાઈએ આ ગાંઠ ઉકેલવા મથામણ કરી હતી. બેઠક દરમિયાન ગોવિંદ પરમારે પોતાની સમસ્થ નારાજગી મુખ્યમંત્રીને વ્યક્ત કરી. બેઠક પુરી થયા પછી પોતાની નારાજગીનો ઢંઢેરો પીટી નાખનારા ધારાસભ્યએ બેઠકમાં તેમને શું વચનો આપવામાં આવ્યા તેની જરા અમથી પણ સ્પષ્ટતા કરી નથી. બસ એટલું કહ્યું કે હવે મારી નારાજગી દુર થઈ ગઈ છે. હવે હું રાજીનામું આપવાનો નથી. તેમના આ નિવેદનને લઈને વિવિધ ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. ધારાસભ્યનો ફૂગ્ગો સીએમ સાથેની બેઠક બાદ ફૂસસસ થઈ ગયો હોવાની વાત હવે અહીં દર ચાર વ્યક્તિ વચ્ચે થવા લાગી છે.