મેરાન્યૂઝ નેટવર્ક.સાવરકુંડલાઃ ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી આગામી 26મી માર્ચે યોજાવાની છે. મતદાન સમયે એક બીજાના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે અને પોતે ફાયદો મેળવી લે તેવા હેતુથી બંને પક્ષો સામ સામે ઓફર બાજી કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે રીતસર કાવાદાવા ચાલી રહ્યા છે. આવા સંજોગોમાં પ્રતાપ દૂધાતનું નામ પણ ઘણું ઉછળી રહ્યું હતું ત્યારે જ પ્રતાપ દૂધાતે પણ સણસણતો જવાબ આપતા કહ્યું કે, જો ભાજપમાં હિંમત હોય તો મને ઓફર કરવાની તાકાત કરી બતાવો.

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે આ અંગે ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે એવું કહ્યું કે, આ વખતે જો ભાજપ અમારા કોઈ પણ ધારાસભ્યને તોડવાના પ્રયત્નો કરશે તો તેનું પરિમામ પણ ભોગવવા તૈયાર રહેવું પડશે. ભૂતકાળમાં ગુજરાતની ભોળી પ્રજાએ પક્ષપલટુઓને બરાબરનો જવાબ આપ્યો છે. અમને ખબર છે કે ભાજપ દ્વારા અમારા ધારાસભ્યોને આડકતરી રીતે ઓફરો થાય છે પણ સીધી વાત કરવામાં આવી રહી નથી.

ગત રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પોતાને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી ઓફર અંગે કહ્યું હતું કે, ભરતભાઈ તેમને ધારાસભ્યો લઈ આવો અને મુખ્ચમંત્રી બનોની ઓફર કરે છે. હું તો ભાજપનો જ છું, અને મરીશ ત્યાં સુધી ભાજપમાં રહીશ. મારું નામ લેતા નહીં. તેવી સ્પષ્ટ વાત કરી ચોખ્ખો જવાબ આપી દીધો હતો. હવે આ જ રીતે પ્રતાપ દૂધાત દ્વારા પણ ભાજપને હવે ચોખ્ખો જવાબ આપી દેવાયો છે. તેમણે એવું કહ્યું કે, જો ભાજપ દ્વારા ધારાસભ્યોને તોડવામાં આવશે તો તેનું પરિણામ ખુદ ભોગવશે. જો ભાજપમાં હિંમત હોય તો મને ઓફર કરવાની તાકાત કરી બતાવો. તેમના આ નિવેદનને કેટલાક લોકો અલગ રીતે પણ જુએ છે. જોકે ગમે તેમ હાલ તેમના આ નિવેદનને લઈને ચર્ચાના વમળો ઉઠ્યા છે.