મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું નવનિર્માણ થયું ત્યારથી શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે શામળાજી પંથકના અંતરીયાળ ગામોમાંથી ૫૦ કિમીનું અંતર કાપીને અરજદારોને ભિલોડા પહોંચવામાં હાલાકી ભોગવવી પડે છે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાએ જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને લેખિત રજૂઆત કરી શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી હતી. ધારાસભ્યની માંગને પગલે શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવાની સુસુપ્ત બનેલી માંગણી ફરીથી પ્રબળ બની છે.

ભિલોડા તાલુકામાં મોટા ભાગે આદિજાતી સમાજ વસે છે. તેમજ ભિલોડા તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ પણ ખુબ જ મોટો તાલુકો છે. ત્યારે શામળાજીના અંતરીયાળ ગામોમાંથી અરજદારોને તેમજ તાલુકા વાસીઓને ૫૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને તેમજ બે બસો બદલીને તાલુકા મથકે પહોંચવું પડતું હોવાથી તાલુકાવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે ભિલોડાના ધારાસભ્યએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને શામળાજીને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

આ અંગે ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલભાઈ જોષીયારાએ અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનને લેખિતમાં અરજી આપી જણાવ્યું હતું કે ભિલોડા તાલુકો શેડ્યુઅલ વિસ્તારમાં આવતા તમામ તાલુકાઓમાં વસતીની રીતે અને ભૌગોલિક રીતે ખુબ જ મોટો તાલુકો છે. ભિલોડા તાલુકાના અંતરીયાળ ગામોમાંથી તાલુકાના કામકાજ માટે લોકોને ૫૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને ભિલોડા તાલુકા મથકે પહોંચવું પડે છે. જ્યારે અંતરીયાળ ગામોમાંથી તો બે થી વધુ વાહનો બદલીને ભિલોડા પહોંચવુ પડે તેવી સ્થિતિ છે.

ત્યારે અંતરીયાળ ગામોના લોકોને તાલુકાના કામકાજ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ શામળાજી નેશનલ હાઈવે પર આવેલું છે અને પ્રસિધ્ધ યાત્રાધામ પણ છે જેથી લોકોની અવર જવર શામળાજી ખાતે ખુબ જ રહે છે. શામળાજીના આસપાસના અંતરીયાળ વિસ્તારોના લોકોને પણ ખરીદી માટે શામળાજી આવવું જ પડતું હોય છે. ત્યારે જો શામળાજીને તાલુકો બનાવવામાં આવે તો લોકોને તાલુકાના કામો કરવા માટે ખુબ જ સરળ સવલત થઈ શકે તેમ છે. જેથી શામળાજી તેમજ આસપાસના લોકોના હિતમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માટે ભિલોડા ધારાસભ્યએ માંગ કરી હતી.