મેરાન્યૂઝ નેટવર્ક.કોલકાતા: કોલકાતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીના મંચ પર 70 વર્ષિય અભિનેતા મિથુન ચક્રવર્તી આજે (ભાજપ) જોડાયા. એવી અટકળો હતી કે તેઓ આ રેલીમાં જોડાશે અને ભાજપનું સભ્યપદ લેશે. પીએમ મોદીની આ રેલી કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહી છે. મિથુન ચક્રવર્તી વડા પ્રધાનના આગમન પહેલા જ ભાજપમાં સામેલ થયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, પ્રદેશ પક્ષના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

જ્યારે મિથુન ચક્રવર્તી કાળા ચશ્મા અને કાળી ટોપી પહેરીને મંચ પર પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો ઉત્સાહિત થઈ ગયા. તેમને સ્ટેજ પર કૈલાસ વિજયવર્ગીય પાસે બેસાડ્યા હતા. બાદમાં તેમને પાર્ટીમાં સામેલ કરવાની ઔપચારિકતા પૂર્ણ થઈ. ભાજપના નેતાઓએ ચક્રવર્તીને પાર્ટી ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ પછી, 70 વર્ષીય અભિનેતાએ સ્ટેજ પર પોતાનાં હાથમાં પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો.


 

 

 

 

 

એક દિવસ અગાઉ, શનિવારે, બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ બેલાગચીયા વિસ્તારમાં સ્થિત મિથુન ચક્રવર્તીના ઘરે મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. વિજયવર્ગીયાએ ખુદ મધ્યરાત્રીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. વિજયવર્ગીયાએ લખ્યું કે, "ગઈકાલે મોડી રાત્રે કોલકાતામાં બેલાગચીયાનાં સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન દા સાથે અમારી લાંબી ચર્ચા થઈ. તેમની દેશભક્તિ અને ગરીબો પ્રત્યેની કહાનીઓ સાંભળીને મારું મન ગદ ગદ થયું."

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી પીએમ મોદીની આ પહેલી રેલી છે. જોકે વડા પ્રધાને આ પહેલા ત્રણ વખત ચૂંટણી સભાઓ યોજી છે, પરંતુ આજની કોલકાતા રેલી પર રાજકીય ચર્ચાઓ તેજ છે.