મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ એક ઠરાવથી ૧૮ વર્ષ જૂની અનામત નીતિમાં બદલાવ કર્યો હતો. જેના એક વર્ષ પછી વિવિધ સરકારી ભરતીઓમાં અનામત હેઠળના ઉમેદવારો જનરલથી વધુ મેરિટ મેળવે તો પણ તે અનામત પૂરતા મર્યાદિત રહ્યાની અસરો શરૂ થઈ છે. આક્ષેપો પ્રમાણે લોક રક્ષકદળ- LRDની ભરતીમાં જાહેર થયેલી પસંદગી યાદીમાં જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારના કટ ઓફ મેરિટથી વધુ મેરિટ હોવા છતાંયે ST, SC, OBC અને EBC વર્ગની મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરીને બદલે છે તે જ અર્થાત અનામત કેટેગરીમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેનો વિવાદ વકર્યો છે. ગાંધીનગરમાં એક મહિનાથી આ નીતિના વિરુદ્ધમાં રાજ્યના તમામ ક્ષેત્રો- જ્ઞાતિઓની મહિલા ઉમેદવારો દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યુ છે.ત્યારે સોશ્યલ મીડિયામાં રાજ્યના એસ.સી, એસટી, ઓબીસી ના ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યો ગુમ થયા હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહી છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં એલઆરડી ભરતીમાં અનામાવત વર્ગમાં સમાવિષ્ઠ મહિલા ઉમેદવારોનું મેરીટ જનરલ કેટેગરી મહિલા ઉમેદવારો કરતા ઊંચુ હોવા છતાં તેમનો સમાવેશ અનામત કેટેગરીમાં કરતા અનામત અન્ય મહિલા ઉમેદવારોને અન્યાય થતા સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ પર ઉતરી છે, ત્યારે રાજ્યમાંથી એસટી,એસસી અને ઓબીસી અનામત બેઠક પરથી ચૂંટાયેલા અને અનામત સમાજમાંથી ચૂંટાયેલા નેતાઓ સમર્થનમાં કે પછી આશ્વાસન સુદ્ધાં આપવા ન પહોંચતા તેમની વિરુદ્ધમાં સોશ્યલ મીડિયામાં “ખોવાયેલ છે...ખોવાયેલ છે” જેમને પણ ફોટોવાળા સાંસદ કે એમ.એલ.એ નો સંપર્ક થાય તો સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર બેઠેલા નિઃસહાય બેહેનો પાસે ન્યાય માટે મૂકી જવા વિનંતી છે.