પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વડોદરાના પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈએ પોતાની પત્ની સ્વીટી પટેલની કરેલી હત્યા બાદ કોર્ટમાં અજય દેસાઈ સામે સજ્જડ કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવાઓ એકત્ર કરવાની શરૂઆત કરી હતી, સ્વીટીની હત્યા બાદ મળી આવેલા અસ્થીમાંથી ડીએનએ નહીં મળતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ પોતાની દસ માણસોની ટીમ અને પાંચ મજુરો સાથે સ્વીટીને જયાં સળગાવી દેવામાં આવી તે સ્થળ ભરુચ નજીકના અટાલી પહોચી તપાસ કરતા આખા દિવસની મહેનત બાદ સ્વીટીના દાંત, તેનું મંગળસુત્ર અને સોનાની વીંટી શોધી કાઢી હતી. સ્વીટીના દાંત મળી આવ્યા તે ફોરેનસીક લેબોરટી ખાતે ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવશે

વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાયા પછી એસીપી ડી પી ચુડાસમાં આ કેસની એક એક કડી જોડવાનો પ્રયત્ન કર્યો હતો, અજય દેસાઈએ ગુનાની કબુલાત કરી લીધી હોવા છતાં ટ્રાયલ દરમિયાન સાંયોગીક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેનદ પણ એટલા જરૂરી છે, જેને ધ્યાનમાં લઈ સંખ્યાબંધ વ્યકિતઓના સાક્ષી નિવેદન લેવામાં આવ્યા હતા, પરંતુ અજય દેસાઈ પોલીસ અધિકારી હોવાને કારણે ટ્રાયલ દરમિયાન જો સાક્ષીઓ પોતાના નિવેદન ફેરવી તોળે તેવો પણ ભય હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ મહત્વના સાક્ષીઓના મેજીસ્ટ્રેટની સામે 164 પ્રમાણેના નિવેદનો નોંધાવ્યા હતા પોલીસ દ્વારા નોંધવામાં આવેલા નિવેદનમાં અજય દેસાઈએ સ્વીટીને સળગાવી મુકતા પહેલા હિન્દુ વિધી પ્રમાણે ઘીનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા પોલીસ ઘી અને દુધ આપી જનારી વ્યકિતને પણ શોધી કાઢી તેમના સાક્ષી નિવેદન નોંધ્યા છે જેમાં એક સાક્ષીએ આગનો ધુમાડો પણ જોયો હોવાનું સમર્થન આપ્યુ છે.

Advertisement


 

 

 

 

 

અજય દેસાઈ વિરૂધ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ શોધવા માટે પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના દસ માણસનો સ્ટાફ અને પાંચ મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા, જયાં પંચોની રૂબરૂમાં સ્વીટીને સળગાવી મુકી તેની માટી ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આંખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના પાંચ દાંત મળી આવ્યા હતા, આ દાંત ડીએનએ ટેસ્ટ માટે ખુબ મહત્વનો સાબીત થશે આ ઉપરાંત ત્યાંથી સ્વીટીનું મંગળ સુત્ર અને એક વિટી પણ મળી આવી છે, અગાઉની તસવીરમાં સ્વીટીએ આ મંગળસુત્ર અને વિટી પહેરી હોવાનું પણ સ્પષ્ટ થાય છે આ ઉપરાંત સ્વીટીના પરિવારજનોએ પણ મંગળસુત્ર સ્વીટીનું હોવાનું સમર્થન આપ્યુ છે પોલીસ આ સંદર્ભમાં આ મંગળસુત્ર કયારે અને કોણે ખરીદ્યુ હતું તે જાણવા વિવિધ ઝવેલર્સનો સંપર્ક કરી રહી છે.

2015માં અજય દેસાઈ અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા ત્યારે સ્વીટી અને અજય સંપર્કમાં આવ્યા હતા. જો કે મંદિરમાં સ્વીટી સાથે લગ્ન કર્યા હોવા છતાં અજય દેસાઈ જ્ઞાતિની પુજા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા જેના પરિણામ સ્વરૂપ સ્વીટીએ દિકરાને જન્મ આપ્યો હતો અને પુજાએ દિકરીને જન્મ આપ્યો હતો, સ્વીટીની હત્યા બાદ પુજાએ સ્વીટીના દિકરા અંશની જવાબદારી ઉપાડી હતી, પરંતુ અજયે હત્યા કરી છે તે આધાતા સહન નહીં થતાં પુજા પોતાની દિકરી સાથે પિયરમાં જતી રહી છે જેના કારણે હાલમાં અંશની જવાબદારી અજય દેસાઈના ભાઈઓએ ઉપાડી લીધી છે. હાલમાં જેલમાં મોકલી આપવામાં આવેલા અજય દેસાઈ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતા ત્યારે અનેક વખત પોતાનો ગુસ્સો કાબુમાં નહીં રહેતા થયેલી ભુલને કારણે રડી પડતા હતા, જો કે અજય દેસાઈના આંસુ હવે કોઈ કામના ન્હોતા કારણ અનેક જીંદગીઓ બરબાદીની કતાર ઉપર આવી ગઈ છે.