મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જસદણ તાલુકામાં ગુરુવારે કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા પોતાના મત વિસ્તારમાં આવેલ જસદણ તાલુકા સેવા સદન ખાતે જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ બાબતની જાણકારી ખુદ બાવળીયાએ જ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોટા સાથે આપી છે. જો કે આ ઉદ્ઘાટન કરીને તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-2ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા રાજકારણ ગરમાયું છે.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક - 3ની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેના અનુસાર પણ જીમ આગામી 5મી ઓગસ્ટ બાદ શરૂ કરી શકાશે. તેમ છતાં મંત્રી કુંવરજી બાવળીયાએ પોતાના જ મત વિસ્તારમાં સરકારી ગાઇડ લાઇનનો ભંગ કરીને જીમનું ઉદ્દઘાટન કર્યું હોવાનું સામે આવ્યું છે.

એકતરફ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5નો માસ્ક નહીં પહેરવા માટેનો દંડ રૂ. 200 થી વધારી રૂ. 500 કરાયો છે. બીજીતરફ ભાજપના નેતાઓ અવારનવાર નિયમો તોડતા જોવા મળી રહ્યા છે. બુધવારે રાજકોટ જિલ્લા બેંક ખાતે જ્યારે જિલ્લા બેંકના ચેરમેન તરીકે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાની નિમણૂક કરવામાં આવી ત્યારે પણ તેમના શુભેચ્છકો મોટી સંખ્યામાં માસ્ક સહિત સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

આ પૂર્વે પણ ભાજપ કાર્યાલયનાં ખાતમુહૂર્ત સમયે આ નિયમો નેવે મુકાયા હતા. અને પોલીસ તેમજ RMCના અધિકારીઓ તમાશો જોઈ રહ્યા હતા. સામાન્ય સાધુ પાસેથી રૂપિયા 200 નો દંડ વસુલનાર મ્યુ. કમિશ્નર પણ આ તકે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારે શું નિયમો માત્ર સામાન્ય લોકો અને વિપક્ષ માટે જ બને છે ? તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. જો કે આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે ક્યારેય મળે તેવી શક્યતા પણ દૂર સુધી દેખાતી નથી.