મંત્રી જવાહર ચાવડા

અમે પત્રકાર છીએ, અમારૂ કામ ખબર રાખવાનું અને ખબર આપવાનું છે, બીજા શબ્દોમાં કહીએ તો અમે રાજકારણીઓના બારોટ છીએ, આજે પણ બારોટ કુળના અનેક લોકો વંશાવલી રાખવાનું કામ કરે છે , લગભગ તેવું જ કામ અમે કરી છીએ અમે રાજકારણીઓની વંશાવેલી અને કુંડળીઓ બનાવીએ છીએ, જે અમારો ધંધો છે અને અમે કરતા રહીશું, અમારૂ કામ પ્રશ્ન પુછવાનું છે, હજી થોડા મહિના પહેલા અમે તમને મળતા અને પ્રશ્ન પુછતાં ત્યારે તમે બહુ રાજી થતાં હતા, ત્યાર પછી તમે અમને ચ્હા પાણી પીવડાવી રવાના કરતા હતા, મને પેલો તમારો વીડિયો હજી યાદ છે, તમે એક જાહેરસભામાં બોલ્યા હતા, ત્યારે તમને સાંભળનાર હસી હસી બેવડા વળી ગયા હતા, તમારી પાછળ મંચ ઉપર બેઠેલા અર્જુન મોઢવાડીયા સહિત બધા ખડખડાટ હસતા હતા.

તમે તમારા ગામના એક પાગલની વાત કરી હતી જેનું નામ નંદો હતું. આ નંદો મોટી મોટી લાખો રૂપિયાની વાત કરતો હતો, ઘણા દિવસ પછી તમને ખબર પડી કે નંદો મરી ગયો, પણ જ્યારે તમે નરેન્દ્ર મોદીની કરોડો રૂપિયાની જાહેરાંતો સાંભળી ત્યારે તમે કહ્યું હું માનતો કે નંદો મરી ગયો છે પણ નંદો તો હજી જીવે છે. તમે નરેન્દ્ર મોદીની સરખામણી માનસીક અસ્વસ્થ નંદા સાથે કરી હતી, ત્યારે તમે કોંગ્રેસમાં હતા એટલે તમે તેવું બોલ્યા તેનો કોઈ વાંધો નથી, ભાજપવાળા પણ રાહુલને પપ્પુ જ કહે છે રાજકારણમાં તો આવુ બધુ ચાલ્યા કરે પણ ગયા મહિને તમે જેને નંદો કહેતા અચાનક તેના વખાણ કરવા લાગ્યા અને તમે ભાજપમાં જોડાઈ ગયા, તમે ભાજપમાં ગયા તેની સામે અમને કોઈ વાંધો નથી, તમે આવતીકાલે દાઉદ ઈબ્રાહીમની પાર્ટીમાં જોડાઈ જાવ તો પણ અમને વાંધો નથી.

પણ અમારૂ કામ તમને પ્રશ્ન પુછવાનું છે, અમને તમને પુછયું કે તમે જેને નંદો કહેતા હતા તે નંદાની પાર્ટીમાં કેમ જોડાઈ ગયા? બસ. તમે એક સભાના સ્થળે બોલ્યા કે પત્રકારો મને પુછે છે કે તમને કોંગ્રેસમાં શું વાંધો પડયો તો તમે ભાજપમાં જોડાઈ ગયા, મેં પત્રકારોને કહ્યું તમારા બાપાને કોઈ વાંધો પડયો ન્હોતો, બસ મંત્રી થયા અને તમારી ભાષા જ બદલાઈ ગઈ, તમને પત્રકારોનો બાપ થવાના અભરખા જાગ્યા, અમે તમારા પિતાશ્રી પેથલજીભાઈનો કયારેય ઉલ્લેખ કર્યો? અમને તો તમારા પિતાશ્રીની ખબર છે, પણ  તે અમારા સંસ્કાર નથી જે અંગે અમે ચર્ચા કરતા નથી, વિનંતી એટલી જ કે ભીડ જોઈ ભાન ભુલો નહીં, તમને પત્રકાર પ્રશ્ન પુછે અને માઠું લાગે તો શું કામ ધારાસભ્ય અને મંત્રી થયા? અમારૂ કામ તમને પ્રશ્ન પુછવાનું છે એક હજાર વખત પુછીશું કે તમે ભાજપમાં કેમ આવ્યા કારણ તમારા મતદારોએ તમે કોંગ્રેસમાં હતા ત્યારે તમને મત આપ્યો, પછી તમે બારોબાર નક્કી કર્યુ કે તમે ભાજપમા જશો તો આવું કેમ કર્યું તે પુછીશું કારણ તે અમારો ધંધો અને અધિકાર છે.

તમારે જવાબ આપવો ના હોય અને જાહેરમાં કારણ આપી શકવાની ત્રેવડ ના હોય તો જવાબ ના આપતા, અમે માનીએ છીએ કે તમારી પાસે પુષ્કળ સંપત્તી છે એટલે ભાજપ તમને પૈસા આપી ખરીદી શકે નહીં, તમારા ઘણા ધંધા છે બની શકે તમારા ધંધામાં કયાં સરકાર નડી જતી હોય અથવા ભાજપમાં આવવાથી ધંધો સારો ચાલે તેમ હોય તો પણ રાજકારણની દુકાન બદલવામાં વાંધો નથી, પણ અમે તમને પુછીશું કે તમે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, તમે જેને નંદો કહેતા હતા કે નંદો કેવી રીતે અચાનક ડાહ્યો થઈ ગયો અથવા તમને ડાહ્યો લાગવા માંડયો. આ તો તમે રાજકારણમાં છો એટલે અમે સવાલ પુછીએ અને તમે જવાબ આપો તેવી અપેક્ષા હોય છે, બાકી અમે કયાં પંચરવાળા-કરિયાણાની દુકાનવાળાને કે પાનના ગલ્લાવાળાને સવાલ પુછવા જઈએ છીએ અને તમને લાગે કે તમે કોઈને જવાબ આપવા બંધાયેલા નથી તો રાજકારણ છોડી શકો છો, તમને કયાં કોલર પકડી આ ધંધામાં લાવ્યા છે.

માત્ર તમારા નામની આગળ મંત્રી શબ્દ ઉમેરાયો તેની સાથે તમારી ભાષા જ બદલાઈ ગઈ, અમને આશ્ચર્ય તે વાતનું છે કે તમે તો સત્તા અને સંપત્તી બાળપણથી જોઈ છે, તમને તો સત્તાનું અપચન થવું જોઈએ નહીં, પણ તમે તો મંત્રી થતાં માનસીક ગંદકીની જાહેરમાં ઉલ્ટી અને હાજત કરી નાખી, આમ તો નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવે છે ત્યારે તમે શું કામ ગંદકી ઓકી રહ્યા છો, બાજપાઈએ એક વખત ગાંધીનગરમાં કાર્યકરોને સંબોધતા કહ્યું કે આંબાને કેરી લાગે તો આંબો નમી પડે છે, સત્તા મળે તો નમ્રતા રાખજો, હવે તમારે નહેરૂ ભુલી બાજપાઈને વાતો યાદ કરવી પડશે, બાકી અમારા બાપ થવાનો શોખ રાખતા નહીં, જેમણે પણ અમારા બાપ થવાનો પ્રયત્ન કર્યો છે તેની સત્તા જતી જોઈ છે અમે. સરકારો બદલાતી રહે છે પત્રકાર તો ત્યાં જ હોય છે અમે તમને સરકારમાં અને વિરોધ પક્ષમાં બેસતા જોયા છે હવે તમે પાછા સરકારમાં છો, અભિમાન ના કરશો સમયને સમયનું કામ કરવા દો

પ્રશાંત દયાળ

(મેરાન્યૂઝ)
આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં