દિલીપ પટેલ (મેરાન્યૂઝ.ગાંધીનગર): ભાજપના પોરબંદરના નેતા અને ધારાસભ્ય બાબુ બોખીરિયાને ખાણમાં ગેરદાયકે ખોદકામ કરવાના રૂ.130 કરોડના દંડના ગુનામાં ગુજરાત સરકારે બચાવી લીધા છે. 2006માં રૂ. 54 કરોડની ખનિજ ચોરી મામલે પોરબંદર અદાલતમાં કેસનો ચૂકાદો 15 જૂન, 2013ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ. 5,000નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી. કેન્દ્રના ખાણ અને ખનિજ મંત્રાલયમાં ગુજરાત સરકારના દંડ સામે અપીલમાં ગયેલા બાબુ બોખિરીયાને ભાજપના નેતાઓએ બચાવી લીધા છે. જેમને   જંગી દંડની રકમ ભરવી પડે તેમ હતી પણ ગુજરાત સરકારે તેમાં કોઈ દસ્તાવેજો રજૂ ન કરતાં બોખિરીયાને રૂ.59 કરોડના દંડની સજામાંથી આબાદ બચાવી લીધા છે. જોકે ખનિજ કૌભાંડ રૂ.59 કરોડ નહીં પણ રૂ.1500 કરોડનું હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવેલો હતો.

2006માં દેશપ્રેમી કલેક્ટરે બાબુ બોખિરીયાની રૂ.130 કરોડની ખનીજ ચોરી પકડી હતી. જેમાં પછી રાહત આપીને તેમાં આખરે રૂ.59 કરોડ જ ભરવાના હતા. રૂ59 કરોડનો દંડ તેમણે ભર્યો નહીં અને પછી કેન્દ્ર સરકાર સમક્ષ ગયા હતા. 16 લાખ મેટ્રિક ટન સિમેન્ટ બનાવવાનો ચૂનાનો પથ્થરની રોયલ્ટીની ચોરી એક ભાગ હતો. ટને રૂ.315 રોયલ્ટી વસૂલવાની હતી.
રૂ.130 કરોડમાંથી તેમાં કોઈ પૈસા ભર્યા નથી. જેમાં રાહત આપીને છેલ્લે રૂ.59 કરોડ ભરવાના થતાં હતા. તે ન ભરવા માટે કેન્દ્ર સરકારમાં તેઓ ગયા હતા. ત્યાં પોતાના નેતાને બચાવવા માટે ગુજરાત સરકારે કોઈ દસ્તાવેજો રજૂ કર્યા ન હતા અને તેમને દંડ ન ભરવો પડે એવી વ્યવસ્થા કરાવી આપી હતી. ગુજરાતની ભાજપ સરકારે રીવીઝન અરજીમાં દસ્તાવેજો રજૂ કર્યા ન હોવાની નોંધ કરીને તેમને દંડમાંથી છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. બાબુ બોખિરીયા સાથે જોડાયેલા મંગલમ અને આકાશ મીનરલ્સને આખરે છોડી મૂકાયા છે. અનીલ કુમાર નાયકે આ ઓર્ડર કર્યો છે.

અગાઉ ખરેખ શું થયું હતું ?  

ખનીજ ચોરીમાં બાબુ બોખિરીયાના પુત્ર અને જમાઇને રૂ.150 કરોડનો દંડ

અગાઉ અમદાવાદ પોરબંદરમાં ખનીજ ચોરીના મામલે હાઇકોર્ટે બાબુ બોખિરીયાના પુત્ર અને જમાઇને દંડ ફટકાર્યો હતો. વડી અદાલતે બાબુ બોખિરીયા અને તેના જૂથને રૂ.150 કરોડનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટમાં પોરબંદર જિલ્લા કલેક્ટરે સોગંદનામું રજૂ કર્યું છે. કેબિનેટ પ્રધાન બાબુ બોખિરીયા અને ભાગીદાર જૂથને પોરબંદર કલેક્ટરે 150 કરોડ ભરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટમાં પોરબંદર જિલ્લા કલેક્ટરે જવાબ રજૂ કર્યું છે.

પોરબંદરના આદિત્યાણા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરી કરોડો રૂપિયાની ખનીજ ચોરીના મુદ્દા પર હાઈકોર્ટમાં પોરબંદર કલેક્ટરે જવાબ રજૂ કર્યો હતો. જેમાં પોરબંદર કલેક્ટરની રજૂઆત હતી કે, તેમણે બાબુબોખરિયા સાથે સંકળાયેલા નવ લોકોને રૂ. 150 કરોડનો દંડ ફટકાર્યો હતો. જેમાં બાબુ બોખિરીયાના પુત્ર અને જમાઈની કંપનીઓને પણ સમાવેશ થાય છે. આ કંપનીઓમાં મંગલ મિનરલ્સ અને આકાશ મિનરલ્સનો પણ સમાવેશ થાય છે. મહત્વનુ છે કે, 2006ના કેસમાં પોરબંદરમાં ખનીજ ચોરીના કેસ સંદર્ભે વર્ષ 2013માં હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

જેમાં અરજદારની રજૂઆત હતી કે, પોરબંદરના કલેક્ટરનો અહેવાલ છે કે, જિલ્લામાં મોટા પાયા પર ખાણ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. તેમના અહેવાલ મુજબ અંદાજે રૂ.750 કરોડની ખનીજ ચોરી થઈ છે. જેમાં રૂ.240 કરોડની ખનીજ ચોરીના કેસ થયા છે અને તેમાં દંડ પણ થયા છે. જો કે આ આદેશ સામે કેન્દ્ર સરકાર સમક્ષ રિવિઝન અરજી કરવામાં આવી હતી. જેમાં રજૂઆત થઈ હતી કે તેમને રજૂઆત કરવાની તક મળી નથી. આ પછી કેન્દ્ર સરકારે પોરબંદર કલેક્ટરને આ અરજી ફરીથી સાંભળવામાં આવે. જેના પર વર્ષ 2015માં સુનાવણી પૂરી થઈ ચુકી હતી. પરંતુ જવાબ રજૂ કરાયો ન હતો. તેથી બચાવી શકાયા છે.

ખનીજ ચોરીમાં રૂ. 130કરોડનો દંડ

13 ફેબ્રુઆરી, 2017ના રોજ ભાજપના નેતા બાબુ બોખીરીયા, તેમના પુત્ર અને જમાઈને ખનીજ ચોરી કરવા બદલ રૂ.150 કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો. અગાઉ ગુજરાતના કોઈ એક રાજકીય નેતાને આટલો મોટો દંડ ક્યારેય કરાયો નથી. પોરબંદર કલેક્ટરે આ દંડ કર્યો હતો. પણ તે ભરવામાં આવતો ન હતો. આમ આટલો મોટો દંડ થયો હોવા છતાં ભાજપના નેતાને ધારાસભાની ટિકિટ આપી હતી. તેઓ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા હતા અને અત્યારે તેઓ ભાજપના ધારાસભ્ય છે.

3 વર્ષની સજા પણ થઈ હતી

3 જુલાઈ, 2013ના રોજ ઓલપાડ કોંગ્રેસ સમિતિના તત્કાલીન પ્રમુખ અતુલભાઈ પટેલની આગેવાનીમાં ઓલપાડ મામલતદાર ચૌહાણને રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયાનું રાજીનામું લઈ લેવા માટે લેખિતમાં માંગણી કરી હતી. સરકારના ભ્રષ્ટ પ્રધાન બાબુ બોખીરીયા તથા ભાજપના અન્ય ત્રણ આગેવાનો સામે સને 2006મા રૂ. 54 કરોડની ખનિજ ચોરી મામલે પોરબંદર અદાલતમાં કેસનો ચૂકાદો 15 જૂન, 2013ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ. 5,000નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી. ચુકાદાના પગલે મંત્રી બાબુ બોખીરીયાએ સરકારમાંથી રાજીનામું આપવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી. તેમની સામેના તમામ કેસની લોકાયુક્ત દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.

1,500 કરોડનું કૌભાંડ અને 130 કરોડની નોટિસ, બાબુ બોખીરીયા જેલમાં

પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના સિનિયર મંત્રી બાબુ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી રૂ. 130 કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ. 1,200થી 1,500 કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ. 55 કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. 2006મા પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરીયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની 11 કંપની સામે રૂ. 250 કરોડની ખનીજ ચોરીની રિકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝ વાળી જમીનમાંથી રૂ. 55 કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ. 250 કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રિકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું. બગવદર પોલીસ સ્ટેશનમાં 5 ઓક્ટોબર, 2006ના રોજ સૌરાષ્ટ્ર કેમિકલ્સના માઈન્સ મેનેજરે નોંધાવેલી ફરિયાદ આધારે બાબુ બોખીરીયા સહિ‌ત ચાર સામે ગુન્હો નોંધાયો હતો. બોખીરીયાને ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન ન આપતા છેવટે બોખીરીયા યુ.કે. ચાલ્યા ગયા હતા અને ત્યાંથી પરત આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી જ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી તેમને ભાજપે વિધાનસભાની ચૂંટણીની ટિકિટ પણ આપી નહોતી. જોકે નીચલી કોર્ટે તેમને દોષિત ગણી સજા ફટકારી હતી. પરંતુ પોરબંદરની ઉપલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા.

બોખીરીયાના સાળા અને તે પોતે ભાગીદાર

13 ઓક્ટોબર, 2017ના રોજ પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેણે વર્ષ 2004મા પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા આદિત્યાણામાં પિતા-પુત્રની હત્યા કરી હતી. તે પછી તે લાંબા સમય સુધી ફરાર હતો. ભીમા દુલાના કેસમાં ગુજરાતની વડી અદાલતે ટ્રાયલ કેસનો ચૂકાદો રદ્દ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. ભીમા દુલા ઓડેદરા પોરબંદરનાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યની ભાજપ સરકારના પ્રધાન બાબુ બોખીરીયાના સાળા થાય છે. તો રાણાવાવના પૂર્વ ધારાસભ્ય કરશન દુલા ઓડેદરાનાં સગા ભાઈ છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન લખણ ભીમા ઓડેદરાના પિતા થાય છે.

વડી અદાલતે નોટિસ ફટકારી

20 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુ બોખીરીયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાનો સિમેન્ટ અને સોડા એસ માટેનો પથ્થર કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા 21 લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઇશ્યૂ કરી હતી. આ જગ્યાએ રૂ. 250 કરોડથી વધારે રિકવરી થઈ શકી નથી.
બાબુ બોખીરીયાને ભીમા દુલા જીતાડતા રહ્યા હતા

ભીમા દુલાનો ઇતિહાસ ગુનાહિત રહેલો છે. ભીમા દુલા પર બાબુ બોખીરિયાની સાથે ખનીજ ચોરીના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોરબંદરના ચકચારી મુળુ ગીગા મોઢવાડિયા હત્યા કેસનો પણ તેમના પર આરોપ છે. આદિત્યાણામાં ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની સને 2004મા હત્યા કરી હતી. ભીમા દુલા રાજકીય સપોર્ટથી લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો. તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ભીમા દુલા વરસો સુધી જેલની હવા ખાધી હતી. 13 ઓક્ટોબર 2017ના રોજ સજા થઈ હતી. પોરબંદરના સામાજીક આગેવાન અને મહેર સમાજના અગ્રણી મુળુભાઈ મોઢવાડીયાની તેના ઘર નજીક ગોળી ધરબીને હત્યા કરાઈ હતી. મૃતક મુળુભાઈ મોઢવાડીયાના પત્ની લાખીબેને આ હત્યા કેસમાં મુળુભાઈના પર્સમાંથી મળેલી ચિઠ્ઠીના આધારે બાબુભાઈ બોખીરીયાને સહઆરોપી ગણવા પોરબંદરની ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી. હાલ સુપ્રીમ કોર્ટની લાર્જેસ્ટ બેન્ચ સમક્ષ કેસ પહોંચ્યો છે અને તેનો નિર્ણય હજુ બાકી છે.

ભીમા દુલા ક્યારેય ચૂંટણી લડ્યા નથી. માત્ર તેના બનેવી બાબુ બોખીરિયાને સામ દામ દંડ ભેદથી મદદ કરી છે. તેના કારણે બાબુ બોખીરીયા કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેના સગા ભાઈ કરશન દુલા પણ રાણાવાવ-કુતિયાણાની સીટ પર ધારાસભ્ય હતા. તે પણ એડી ચોટીના જોરની જગ્યાએ ભીમા દુલાનો ઉપયોગ કરતા હતા. ભીમા દુલાના પુત્રએ કુતિયાણાની સીટ પરથી ભાજપમાંથી ટિકિટની માંગણી કરી હતી. ભીમા દુલા ચૂંટણી નજીક આવતા સજા પડી હતી. ફરી આ ડબલ મર્ડર ચર્ચામાં આવતા બાબુ બોખીરીયાની કારકિર્દી ઉપર અસર કરે તેવી પણ શક્યતા હતી પણ તેઓ ચૂનાના પત્થરના કારણે વધુ તાકતવર બની ગયા છે.

સિંહોના નવા ઘરમાં જમીન પચાવી

ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયા અને તેમના પુત્રને બરડા સેન્યુરીની જંગલની અનામત જમીન પરવડા ગામની સરવે નંબર 287ની જમીન સરકારે આપી છે. જે કાયદાથી ઉપર જઈને પગલું લેવામાં આવ્યું છે. 2,500 ગામની વસતી ધરાવતાં ગામની પંચાયતના 7 સભ્યઓએ આ જમીન આપવા માટે વિરોધ કર્યો છે. તેની પાછળ આવું કારણ આપવામાં આવ્યું છે કે, આ જમીન વર્ષ 2000મા જંગલ ખાતા માટે અનામત જાહેર કરી છે. 2004મા તે અંગે સરકારે માપણી કરી હતી. જે બાદ 200 હેક્ટર જમીન વન વિભાગના નામે સરકારે કરી આપી હતી. તેના ઉપર વન વિભાગે વૃક્ષો વાવીને ઉછેર્યા છે. તે પૈકીની 7 હેક્ટર જમીન પાવર ઓફ એટર્ની બાબુ બોખીરીયા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તેના દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે. અન્ય વ્યક્તિઓના નામે પણ બોગસ પાવર ઓફ એટર્ની કરવામાં આવી છે. આવા કુલ 29 જેટલાં વેચાણ બોખીરીયાની તરફેણમાં કરવામાં આવેલા છે. જે અંગે જામજોધપુર કોર્ટમાં સિવિલ કોર્ટમાં સ્યૂટ દાખલ કરવામાં આવી છે. એક લાખ વૃક્ષો ધરાવતી આ જમીન પર જંગલી પ્રાણીઓ રહે છે. વન વિભાગ દ્વારા જમીનને રિલોકેટ કરવાના બહાને ભાજપના નેતાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જમીનની કિંમત રૂ. 300 કરોડ જેવી થવા જાય છે.

જામનગર જિલ્લાની પરવડા ગામની આ જમીન બરડા વન્ય પ્રાણી અભયારણ્ય માટે રક્ષિત જાહેર કરી છે, તેની નજીક જ છે. અહીં ગીર બાદ સિંહનો વસવાટ શરૂ કરાવવામાં આવ્યો છે. 125 ચોરસ કિમી વિસ્તારમાં સિંહ લાવીને તેને વસાવવામાં આવ્યા છે. જેના પર 3,000થી વધુ હરણ છે અને 27 જેટલાં દિપડા છે. 30થી 40 વર્ષ સુધી કાઢી શકાય એટલો અહીં ચૂનાનો પથ્થર છે જે સિમેન્ટ માટે વાપરી શકાય તેમ છે. જામનગર કલેક્ટર દ્વારા આ અંગે ગામ લોકોના પત્રોનો જવાબ આપવામાં આવતો નથી.