મેરાન્યૂઝ નેટવર્ક.શહેરા: પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારમાં સફેદ પથ્થર મોટી માત્રામાં મળી આવે છે. જેના કારણે ખનીજચોરો બેરોકટોક બનીને ગેરકાયદેસર આ પથ્થરોની હેરાફેરી કરે છે અને સરકારી તિજોરીને રોયલ્ટી નહીં ભરીને કરોડો રુપિયાનુ નુકસાન પહોંચાડે છે. તાલુકાના છોગાળા ગામ પાસેથી પસાર થતી પાનમનદીના પટમાં બેરોકટોક રીતે ચાલતા સફેદ પથ્થરોના ખનન થતુ હોવાની બાતમીના આધારે ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પા઼ડવામાં આવ્યા હતા. જેમાં ખાણખનીજ વિભાગે પથ્થરો ભરેલી ટ્રક, તેમજ જેસીબી મશીન સહીતનો અંદાજીત લાખો રૂપિયાનો મુ્દ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણખનીજ વિભાગની લાલ આંખને પગલે ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તાર સફેદ પથ્થરનું હબ માનવામાં આવે છે. પાનમ નદીના પટ સહીતના આસપાસના વિસ્તારોમાં પણ સફેદ પથ્થરો મોટી માત્રામાં મળી આવે છે. શહેરા પંથકમાં છાસવારે જવાબદાર તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે  સફેદ પથ્થરો ખોદીને  ખનન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આ ખનન કરનારાઓને કોઈ ડર ના હોય તેમ ખનનની પ્રવૃતિ બેરોકટોક શરૂ કરી દે છે.

Advertisement


 

 

 

 

 

ગુરુવારના રોજ પંચમહાલ જીલ્લા ખાણખનીજ વિભાગના ઈન્ચાર્જ અધિકારી સી. એમ. પરમારની ટીમ દ્વારા તાલુકાના છોગાળા ગામ પાસે પાનમ નદીના પટમાં રેડ પાડવામાં આવી હતી. જ્યાં સફેદ પથ્થરો ગેરકાયદેસર રીતે જેસીબી મશીન વડે ખોદીને ટ્રકમાં ભરવામાં આવી રહ્યા હતા. વિભાગે જરૂરી પરવાનો માગતા કશુ મળી આવ્યુ ન હતું.

ખાણખનીજ વિભાગની રેડના પગલે ફફડાટ વ્યાપી ગયો હતો. વિભાગે સ્થળ પરથી  જેસીબી મશીન, ત્રણ ટ્રકો સહીતનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. ટ્રકો, તેમજ જેસીબી મશીન શહેરા સેવાસદન ખાતે લાવીને જરુરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરોની હેરાફેરીનો કાળો કારોબાર શહેરા તાલુકામાં બેરોકટોક ચાલી રહ્યો છે. જેમાં રોયલ્ટી નહીં ભરીને સરકારી તિજોરીને  કરોડો રુપિયાનુ નુકસાન પહોંચાડવામાં આવે છે. આ દરોડામાં અન્ય ખાણખનીજ વિભાગની ટીમના નીલેશભાઈ, આર. એસ. ચૌધરી,દિલીપ કુમાર પ્રજાપતિની સહીતનાઓ પણ જોડાઈને રેડની કામગીરી બજાવી હતી.