મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ આર.સી.ઈ.પી.નિયમનો અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિરોધ ઉઠ્યો છે બંને જીલ્લાની કેટલીક દૂધ મંડળીઓ લેટર પેડ પર સ્થાનિક સભાસદોએ આર.સી.ઈ.પી નિયમ સામે વિરોધ નોંધાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રીને પત્ર લખ્યા છે. તેમજ આગામી સમયમાં આ નિયમમાંથી દૂધ તેમજ દૂધની બનાવટોને બાકાત કરવા રજૂઆત કરી છે.

અરવલ્લી-સાબરકાંઠાના ના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે દૂધના પોષણક્ષમ ભાવના અભાવે પશુપાલકોની હાલત દયનિય બની છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે આર.સી.ઈ.પી.ને મંજૂરીની મહોર લગાવી દેતા દેશમાં આગામી સમયમાં દૂધ તેમજ દૂધની બનાવટો સહિત અન્ય કેટલીક વસ્તુઓ અને ફ્રી ટ્રેડ અંતર્ગત વેચાણ માટે મુકવામાં આવનાર છે. આ માટે આર.સી.ઈ.પી.ના નિયમ અંતર્ગત આગામી સમયમાં વિદેશમાંથી દૂધ તેમજ દૂધની બનાવટો ભારતમાં આવશે. આ દૂધ તેમજ દૂધની બનાવટો સસ્તા ભાવે ભારત આવવાને પગલે સ્થાનિક પશુપાલકો તેમજ સભાસદોમાં ભારે રોષ ફેલાયો છે. આ નિયમ લાગુ થવાથી પશુપાલકોને મોટું નુકસાન થશે. ત્યારે આ નિયમના વિરોધમાં સભાસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી આ નિયમમાંથી દૂધ અને દૂધની બનાવટોને બાકાત કરવા રજૂઆત કરી છે.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાની ધી ટીસ્કી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. અને સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાની રૂવચ દૂધ ઉત્પાદક મંડળીના સ્થાનિક સભાસદોએ પશુપાલકો માટે નુકશાન કારક અને બરબાદીના પંથકમાં ધકેલાવવાની ભીતિના પગલે આર.સી.ઈ.પી માંથી ડેરી ઉદ્યોગને અને દૂધની બનાવટોને દૂર રાખવા લેખિત રજુઆત કરી છે