મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં ચાલી રહેલા Me too કેમ્પેઇનમાં જાતિય શોષણના આક્ષેપો બાદ કેન્દ્રિય વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અકબરે આખરે આજે બુધવારે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. અકબર પર 20 મહિલાઓએ અયોગ્ય વ્યવહાર અને જાતિય શોષણ કર્યાનો આક્ષેપ કર્યો હતો. એમ.જે. અકબરે પોતાના રાજીનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો આભાર વ્યક્ત કરતા કહ્યું તેમને આ પદ માટે પસંદ કર્યા હતા તે માટે તેમનો આભારુ છું. હું ન્યાયિક પ્રક્રિયામાં નિષ્પક્ષ રીતે નિર્દોષ સાબિત થઇશ.

આ પહેલા એમ.જે. અકબર રવિવારે પોતાના પર લાગેલા આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા હતા અને આક્ષેપ કરનાર પત્રકાર પ્રિય રમાની વિરૂદ્ધ દિલ્હીની એક કોર્ટમાં માનહાનિનો કેસ પણ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ ટેલિગ્રાફ અને સંડે નાં સંસ્થાપક સંપાદક રહેલા એમ.જે. અકબર 1989માં રાજકારણમાં આવ્યા પહેલા મીડિયામાં એક મોટી હસ્તી તરીકે જાણીતા હતા. તેમણે કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી અને સંસદ સભ્ય બન્યા હતા. અકબર 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા સભ્ય બની જુલાઇ 2016થી વિદેશ રાજ્યમંત્રી બન્યા હતા.