મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: Me Too કેમ્પેઇન દિવસેન દિવસે આગળ વધી રહ્યું છે અને તેમાં રાજકીયથી લઇને બોલીવુડની હસ્તીઓ જોડાઇ રહી છે. બોલીવુડની સિંગર શ્વેતા પંડિતે ટ્વિટર પર પોતાની Me Too  સ્ટોરી શેર કરતા બોલીવુડના ગાયક અને સંગીતકાર અનુ મલિક પર જાતિય શોષણ કર્યાનો અક્ષેપ મુક્યો છે. શ્વેતા પંડિતે કહ્યું છે કે અનુ મલિક કામના બદલે મારી પાસે કિસની માંગણી કરતા હતા.

સિંગર શ્વેતા પંડિતે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે આ વાત વર્ષ 2001ની છે જ્યારે તે માત્ર 15 વર્ષની હતી. તેને કિશોર વયમાં જ આ પ્રકારના આઘાતજનક અનુભવમાંથી પસાર થવું પડ્યું. શ્વેતાએ કહ્યું કે “આ મારુ મીટુ છે. હું યુવતીઓને અનુ મલિકથી સાવચેત કરવાની સલાહ આપુ છું. અનુ મલિક તમારો સમય પૂર્ણ થઇ ગયો છે. વર્ષ 2000માં તેને ફિલ્મ મોહબ્બતેની લીડ સિંગર તરીકે લોંચ કરવામાં આવી હતી. તે સમયે તે સૌથી યુવા સિંગર હતી. તેના ગીત હિટ થતા તેને ઘણી ઑફર્સ મળી હતી. એક દિવસ અનુ મલિકના તત્કાલિન મેનેજર મુસ્તફાએ મને કોલ કર્યો અને ગીત ગાવાની ઑફર કરી. તેના માટે મને એમ્પાયર સ્ટુડિયો આવવા માટે કહેવામાં આવ્યું. હું મારી માતા સાથે ત્યા પહોંચી હતી. તે સમયે અનુ મલિ ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’ માટે ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. મને નાના કેબિનમાં બેસવા માટે કહેવામાં આવ્યું. અમે બંને કેબિનમાં એકલા હતા. અનુ મલિકે મને મ્યુઝિક વિના ગીત ગાવા કહ્યું. મેં ગીત ગાયુ અને અનુ મલિક ઇમ્પ્રેસ થઇ ગયા. ત્યાર બાદ અનુ મલિકે મને કહ્યું કે હું તને સુનિધિ ચૌહાણ અને શાન સાથે આ ગીત ગાવાનો મોકો આપીશ પણ આ પહેલા મને એક કિસ (ચુંબન) આપ. ત્યાર બાદ તેઓ હસ્યા. તે મારા માટે સૌથી ડરામણી ક્ષણ અને સ્માઇલ હતી. અનુ મલિકની વાત સાંભળી હું ડરી ગઇ અને મારો ચહેરો ઢીલો પડી ગયો. તે સમયે હું માત્ર 15 વર્ષની હતી અને સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યારે મારા પર શું અસર થઇ હતી તે કોઈ વિચારી પણ ન શકે. અનુ મલિક વર્ષોથી મારા પરિવારને ઓળખતા હતા, ત્યા સુધી કે અનુ મલિક મારા પિતાને મંધીર ભાઇ કહીને બોલાવતા હતા. આમ છતાં અનુ મલિકે મારી સાથે આવી હરકત કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે Me Too કેમ્પેઇન હેઠળ જાતીય શોષણનો ભોગ બનેલ 20થી વધુ મહિલાઓએ મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અકબર સામે આક્ષેપ કર્યા બાદ અકબરે આજે રાજીનામું આપવું પડ્યું છે.