ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):ઓછો સ્ટોક, ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને ચાર્જિંગ સ્ટેશન સહિતના ઉધ્યોગોની છેલ્લા કેટલાંક વર્ષથી સ્ટેનલેસ સ્ટીલ સેકટરની પરંપરાગત વધતી માંગ, મેટલ બજારમાં હવે પછી નિકલને તેજીનો તોખાર (ઉત્તમ ઘોડો) પુરવાર થવાની તક આપશે. એનાલીસ્ટોનું માનવું છે કે નિકલના ભાવ આગામી ૧૨ મહિનામાં ૨૦,૦૦૦ ડોલર વટાવીને ૨૨,૦૦૦ ડોલર થશે, જે વર્તમાન ભાવથી ૩૦ ટકા વધુ હશે. સપ્ટેમ્બર ૨૦૧૧માં આ ભાવ જોવાયા હતા. ભારતમાં તેનું રૂપાંતર કરી તો કિલો દીઠ રૂ. ૧૫૫૦ની સપાટી કુદાવી જશે.  

ગુરુવારે એલએમઈ ત્રિમાસિક નિકાલ વાયદો આ મહિનાની નવી ઊંચાઈએ ૧૬,૭૯૭ ડોલર પ્રતિ ટન મુકાયો હતો. અલબત્ત, માર્ચ મહિનામાં ૧૪ ટકાનું ગાબડું પડ્યું હતું. ફેબ્રુઆરી અંત અને માર્ચના આરંભના ૧૦ દિવસમાં ૨૦ ટકા તૂટયા હતા, ત્યારે ટ્રેડરોને લાગતું હતું કે સામાન્ય અથવા ઓછા ગ્રેડના નિકલ મિશ્રિત સ્ટેનલેસ સ્ટીલના ભાવ મોટાપાયે ઘટશે.   

ચીનની સૌથી મોટી નિકાલ કંપની તેજિંગશાન સાથે મળીને ઈન્ડોનેશિયા એક નવી ઇન્ડસ્ટ્રિયલ મેટલ સમેલ્ટીંગ, બેનીનો પ્રાંતમાં સ્થાપિત કરવા માંગે છે. જે ઇવી કારબેટરરી ઇન્ડસ્ટ્રી વિકસાવવા આવશ્યક મૂડીરોકાણ પણ પૂરું પાડશે. પરંતુ પરિયાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે આ પ્રોજેક્ટ ખુબજ સાવધાનીપૂર્વક સ્થાપવામાં આવે, જેથી આસપાસના વિસ્તાર અને સમાજને તેનાથી મુશ્કેલી ના પડે. 

એવું માનવામાં આવે છે કે ૨૦૩૩ સુધીમાં ચીનના સ્ટેનલેસ સ્ટીલ અને બેટરી ઉત્પાદકોના નેજા હેઠળ નિકલ પ્રોસેસીંગમાં રોકાણ બમણું થઈને ૩૫ અબજ ડોલર થશે. ફિલિપાઈન્સમાં કાચી નિકલ (ઓર)ની ઉત્પાદન વૃધ્ધિ આગામી પાંચ વર્ષ સુધી જળવાઈ રહેશે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે કડક નિયમનોને લીધે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન મુશ્કેલ છે. 


 

 

 

 

 

એસએન્ડપી ગ્લોબલના માર્કેટ ઇન્ટેલિજન્સના એક અભ્યાસ અહેવાલમાં ગયા મહિને કહેવાયું હતું કે ફિલિપાઈન્સમાં ૨૦૨૦ અને ૨૦૨૫ દરમિયાન ખાણોમાંથી નિકલ ઉત્પાદન ૨.૧૦ લાખ ટનથી વધીને ૫.૫૦ લાખ ટને પહોંચશે. ગતવર્ષે ઇન્ડોનેશિયાએ નિકલ ઓર નિકાસનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવી દેતા ફિલિપાઈન્સ હવે વિશ્વનો સૌથી મોટો નિકલ ઓર નિકાસકાર બની ગયો છે. 

અલબત્ત, ઇન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધ મૂક્યો તે અગાઉ ૮.૫૫ લાખ ટન નિકલ ઓર ઉત્પાદિત કરતો હતો, આ જોતાં પાંચ વર્ષમાં જો ફિલિપાઈન્સ ૫.૫ લાખ ટનના લક્ષ્યાંકએ પહોંચે તો પણ તે ઈન્ડોનેશિયા કરતાં ક્યાંય પાછળ રહેશે. ચીનનું પ્રાથમિક નિકલ ઉત્પાદન ૨૦૨૦માં ૭.૧૫ લાખ ટન હતું તે ૨૦૨૫ સુધીમાં ઘટીને ૪.૯૦ લાખ ટન થવાનો ભય છે. આ જોતાં જો ફિલિપાઈન્સ તેની તમામ નિષ્ક્રિય નિકલ ખાણ સ્ત્રોતને પ્રવૃત કરે તો પણ, એસએન્ડપી મુજબ ચીનની માંગને પહોંચીવળવા સક્ષમ નહીં હોય. 

ચીનમાં ગત સપ્તાહે લાંબી રજાઓ સાથે આવ્યા છતાં નિકલના હાજર પ્રીમિયમ દબાણમાં રહ્યા હતા. બજારનું સેન્ટિમેન્ટ હકારાત્મક હોવા છતાં ચીનમાં આર્બીટ્રાજ નિકલ પ્રીમિયમ ઘટયા હતા. આનું કારણ એ હતું કે રજાઓને લીધે હાજર બજારમાં પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ હતી. પણ પાંચ એપ્રિલના ટૉમબ સ્વેપિંગ ડેની રજાના દિવસે ચીનમાં આર્બીટ્રાજ પ્રીમિયમ ઘટાડો સંકળાઈ ગયો હતો, પરિણામે એવી આશા જાગી હતી કે હવે આર્બીટ્રાજ વિન્ડો ખૂલી જશે.            

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)