જયેશ શાહ (મેરાન્યુઝ.કચ્છ): IPSનાં માનીતા પૂર્વ કચ્છ પોલીસનાં ચાર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની ઘટનાએ ખાસ્સો એવો વિવાદ સર્જયો છે. સમગ્ર ઘટના પાછળ અમદાવાદના મહિલા પીઆઇ ગીતા પઠાણ જેવો જ હની ટ્રેપનો મામલો હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને ખુદ ડીજીપી દવારા હુકમ કરવાને પગલે ન છૂટકે આ કાર્યવાહી કરવામાં આવેલી છે. કારણ કે બર્થ ડે પાર્ટીમાં સામેલ પોલીસ કર્મચારીઓ એક આઇપીએસ અધિકારીનાં ખાસ માણસો હતા. માત્ર એટલું જ નહીં આ પોલીસ કર્મચારીઓ ભુજનાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનાં ફાર્મ હાઉસ ઉપર આ પાર્ટી ગોઠવેલી હતી. આમ પોલીસની ભાષામાં કહીએ તો, પાર્ટીનું 'જડબેસલાક' આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મામલો ડીજીપી ઓફીસ સુધી પહોંચી જતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સુત્રોનું માનીએ તો, બર્થ ડે પાર્ટીના વિડિઓ ફૂટેજ બહાર આવવા પાછળ લાંબા સમયથી પૂર્વ કચ્છમાં ચાલતું હનીટ્રેપ જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાય મહિનાઓથી ગાંધીધામ પોલીસમાં ફરજ બજાવતી ચૌધરી અટકવાળી એક મહિલા પોલીસ કર્મચારી અને એલસીબીનાં કેટલાક કર્મચારીઓ દ્વારા ગાંધીધામનાં મોટા માથાને ફસાવી તેમનો લાખો રૂપિયામાં તોડ કરવામાં આવતો હતો. આ માટે બાકાયદા ટાર્ગેટ શોધીને તેને ફસાવવાવામાં આવતો હતો. જેમાં મહિલા પોલીસ કર્મચારી ઉપરાંત અન્ય મહિલાઓ પણ સામેલ હતી. રિવેરા ફાર્મ હાઉસ ઉપરાંત અંતરજાળ પાસે આવેલી રામાડા હોટેલમાં વેપારીઓને લઈ જવામાં આવતા હતા. અને ત્યારબાદ પોલીસની એન્ટ્રી થતી હતી. જેમાં પોલીસ કાર્યવાહીની બીક બતાવીને અંતે લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. તાજેતરમાં જ ગોસ્વામી અટકવાળા એક મોટા સટોડીયાને પણ હનીટ્રેપ ફસાવવામાં આવ્યો હતો. મામલો આદિપુર પોલીસ સુધી લઈ જઈને એક લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જેમાં ચૌધરી અટકવાળી મહિલા પોલીસ કર્મચારીએ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હતો. ચૌધરી આ કૌભાંડમાં બહુ આગળ આવી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ખાસ બની ગઈ હતી. જેને લીધે હનીટ્રેપના આ કૌભાંડમાં સામેલ અન્ય મહિલાઓને તેની ઈર્ષા થવા લાગી હતી. પરિણામે બર્થડે પાર્ટીનો વિડિઓ જાણીજોઈને વાયરલ કરવામાં આવ્યો હતો અને ડીજીપી ઓફિસનું પણ આ મામલે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને કારણે વિડીઓમાં જોવા મળતા પોલીસ કર્મચારીઓની પહેલા ટ્રાન્સફર કરવામાં આવી હતી. અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરી અંજાર પોલીસ મથકે ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

ભુજનાં ધારાસભ્ય નિમાબેનના દીકરા મુકેશ આચાર્ય ઉપરાંત તેમના ભત્રીજા અને ગુજરાત યુવા ભાજપનાં અગ્રણી ધવલ આચાર્યના માલિકીવાળા અંજાર પાસે આવેલા રિવેરા ફાર્મ હાઉસમાં આ પાર્ટી યોજાયી હતી. 14મી તારીખે રાતે આ બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ નાગજણ ગજેરાનો જન્મદિવસ હતો. જેમાં સુરતનાં એક પીએસઆઇ ઇકબાલ આરબ સહિત પૂર્વ કચ્છ એલસીબીનાં રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, વિરેન્દ્ર રતનલાલ પુરોહિત, પ્રવીણ નારણભાઇ આલ સહિત અન્ય એમ કુલ આઠ વ્યક્તિએ પાર્ટી કરી હતી. પોલીસે હાલ આ લોકો ઉપર જ કાર્યવાહી કરી છે. પાર્ટીમાં અન્ય મહિલા પોલીસ કર્મચારી ઉપરાંત અન્ય વ્યક્તિઓ પણ સામેલ હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. પોલીસે ફાર્મ હાઉસનાં વિડિઓ ફૂટેજ પણ કબજે કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાર્ટીમાં સામેલ પોલીસ કર્મીનાં પ્રેમમાં પાગલ મહિલા PSIએ હાથની નશો કાપેલી

પાર્ટી પ્રકરણમાં સામેલ પોલીસ કર્મચારીઓ પૂર્વ કચ્છનાં અધિકારીઓના ખાસ છે. માત્ર એટલું જ નહીં ભૂતકાળમાં એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટરે તો પાર્ટીમાં સામેલ એક કર્મચારીને લીધે પોતાના હાથની નશો કાપી હતી. મહિલા પીએસઆઇ હેડ કોન્સ્ટેબલના પ્રેમમાં પાગલ હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલની વાગડ તરફનાં પોલીસ મથકમાં બદલી થઈ ગઈ હતી. અને તેના ફેમિલીમાં પણ પ્રેમ પ્રકરણની જાણ થઈ ગઈ હતી. જેને લીધે હેડ કોન્સ્ટેબલ મહિલા પીએસઆઇ સાથે વાત કરતો ન હતો. એટલે મહિલા સબ ઇન્સ્પેકટરે આદિપુર પોલીસનાં તેના ક્વાર્ટરમાં જ અડધી રાતે હાથની નશો કાપી લીધી હતી. જોકે તે વખતે આદિપુર પોલીસને ખબર પડી જતા મહિલા પીએસઆઈને બચાવી લેવામાં આવી હતી.

Advertisement


 

 

 

 

 

એક જ જિલ્લામાં પોલીસ કાર્યવાહીના બેવડા માપદંડ

કચ્છ જિલ્લો પૂર્વ અને પશ્ચિમ, એમ બે પોલીસ વિભાગમાં વહેંચાયેલો છે. પૂર્વ કચ્છનાં એસપી તરીકે આઇપીએસ મયુર પાટીલ અને પશ્ચિમ કચ્છનાં એસપી તરીકે સૌરભસિંગ ફરજ બજાવી રહ્યા છે. થોડા સમય અગાઉ પશ્ચિમ કચ્છમાં પોલીસની આવી પાર્ટીનો વિડિઓ વાયરલ થયો હતો. જેમાં એસપી સૌરભસિંગે પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સીધા સસ્પેન્ડ જ કરી દીધા હતા. જયારે પૂર્વ કચ્છ પોલીસનાં આ પાર્ટી પ્રકરણમાં પોલીસ કર્મચારીઓને તરત સસ્પેન્ડ કરવાને બદલે 'વહીવટી કારણોસર જાહેર હિત'જેવા રૂપાળા કારણોસર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અને એક પછી તેમને સસ્પેન્ડ કરી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. અને તે પણ ડીજી ઓફિસથી કડક કાર્યવાહી કરવાનો પત્ર આવ્યા બાદ. આમ એક જ જિલ્લામાં એક કાર્યવાહી સંબંધે બેવડા માપદંડને લઈને પણ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે પોલીસ કર્મચારીઓ કેટલા પાવરફુલ હતા. સુત્રોનું માનીએ તો પાર્ટીમાં સામેલ પોલીસ કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓ માટે વહીવટદાર તરીકે પણ 'સેવા' આપતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.