પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): દિવાળીના તહેવારો દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તારમાં ત્રણ ગેંગરેપની સિરિયલ ઘટનાઓ મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનાની જાણકારી મળતાં મહેસાણા પોલીસની મદદે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ પહોંચી હતી. આ ઘટનાના 15 દિવસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સિરિયલ ગેંગરેપ અને લૂંટની ઘટનાને અંજામ આપનાર ડફેર ગેંગને ઝડપવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અકબર નામના ડફેરને ઝડપી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનની હદમાં દિવાળીના દિવસે એક દંપત્તિને લૂંટી સાથે રહેલી મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. મહેસાણા પોલીસ આ ઘટનાને સમજે તે પહેલા બીજા દિવસે એટલે કે નવા વર્ષે બીજી એક ઘટના કડી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જેમાં ખેત મજુર તરીકે કામ કરતી મહિલા પર બળાત્કાર કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ બે ફરિયાદોના પગલે ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટના સ્થળના સેલ ટાવર લોકેશન આધારે તપાસ શરૂ કરતાં કેટલાક શંકાસ્પદ નંબરો મળ્યા હતા. જેની તપાસ વખતે ઘટસ્ફોટ થયો હતો કે, દુષ્કર્મ અને લૂંટની ત્રીજી ઘટના પણ બની છે. આમ કુલ ત્રણ ઘટનાઓ એક સરખી લાગે તેવી કડી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓએ કુલ છ મોટરસાયકલનો ઉપયોગ કર્યો છે. દરેક ગુના વખતે આરોપીઓ ચોરીનું નવું મોટરસાયકલ ઉપયોગમાં લેતા અને તેને છોડી દેતા હતા. સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડફેર અકબર સુધી પહોંચી હતી. અકબરની કબુલાત પ્રમાણે આ ઘટનાને અંજામ આપવામાં તેની સાથે બીજા ચાર સાથીઓ હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ તેના સાથીઓની તપાસ કરી રહી છે.