મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ માતા... જે પોતાના સંતાનને દુનિયામાં પ્રથમ શ્વાસ લેવાનું પગથિયું બને છે, એ જ તેને મોતને ઘાટ ઉતારે તે એક તબક્કે માની ન શકાય તેવી બાબત છે અને તેમાંય માત્ર 12 જ દિવસના ફૂલ જેવા કોમળ બાળકની હત્યા કરતાં સામાન્ય વ્યક્તિના પણ હાથ કાંપી જાય તેવામાં કયા સંજોગોમાં મહેસાણામાં માતાએ પોતાના જ બાળકની હત્યા કરી તે અચરજ પમાડનાર છે.

મહેસાણાના કડિ ખાતેના લુહારકુઈની ઊંડીફળીમાં આ ઘટના બની છે જ્યાં માતાએ 12 દિવસની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ અંગે બાળકીના પિતાએ તેની માતાના સામે ફરિયાદ નોંધાવી છે. એટલે કે પતિએ જ પત્ની સામે પોતાના સંતાનની હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર, મહેસાણાના કડી ખાતેના લુહારકુઈ, ઊંડીફળીમાં રહેતી મનીષા ખાનચંદાણીના વર્ષ 2015માં પ્રેમ લગ્ન થયા હતા. મનિષા તેના પતિ સાથે ભાડાના મકાનમાં અહીં રહે છે. તેનો પતિ રેડિમેઈડ કાપડનો ધંધો કરે છે. લગ્નજીવન દરમિયાન તે ગર્ભવતી બની હતી અને તેઁણે બાળકીને જન્મ આપ્યો હતો. 29 એપ્રિલે તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો હતો. બાળકી જન્મ બાદ બિમાર થઈ ગઈ હતી જેથી તેની સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હોસ્પિટલમાં બાળકીને 1 મેથી 7 મે સુધી રાખવામાં આવી હતી.

થોડા દિવસ બાદ 10મી તારીખે મનિષાનો પતિ જ્યારે સવારે દુધ લેવા ગયો તે વખતે મનિષાએ બાળકીને પાણીની ટાંકીમાં નાખી દીધી હતી. જ્યારે પતિ પાછો ઘરે આવ્યો ત્યારે દીકરી પોતાની માતા પાસે જોવા મળી નહીં. જેથી દીકરીની શોધખોળ શરૂ કરી હતી. બાળકીનો મૃતદેહ પછી પાણીની ટાંકીમાંથી મળ્યો હતો.

બાળકીને તુરંત તેઓ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તપાસ્યા બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતના બે દિવસ બાદમાં મનિષાને પોતાના કર્યા પર પછતાવો થવા લાગ્યો જેથી તેણે કબુલી લીધું કે પોતે જ બાળકીને પાણીની ટાંકીમાં નાખી દીધી હતી અને પછી ઢાંકણું પણ બંધ કરી દીધું હતું. પતિએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મનિષા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આવું નિર્દય પગલું તેણે કેમ ભર્યું તેની માહિતી હજુ જાણી શકાઈ નથી.