મેરાન્યૂઝ નેટવર્ક.પાણીપતઃ હરિયાણાના પાણીપત ખાતેના યમુનાનગરમાં મહેસાણાના આંગડિયા પેઢીના પાંચ કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની છે જેમાં તેમણે રૂપિયા 80 લાખ ગુમાવ્યા છે. આ પાંચેય અહીં એક મકાનમાં રહેતા હતા જે મકાનમાં 4 અજાણ્યા શખ્સો ઘૂસી ગયા હતા અને પિસ્તોલ બતાવી રૂપિયા ભરેલો થેલો આપી દેવાનું કહી રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. પાંચેય કર્મચારીઓ પિસ્તોલને કારણે કોઈ હિમ્મત કર્યા વગર રૂપિયા આપી દીધા હતા. આ ઘટનામાં એક યુવક એટલો ગભરાયો હતો કે પાંચ યુવકો પૈકીનો એક યુવક ત્યાં પહેલા માળેથી નીચે કુદી ગયો હતો.

મહેસાણાના પાંચ યુવકો સંજય, રમેશ, અશ્વીન, ઉત્તમ અને કિરણ હરિયાણાના પાણીપત શહેરમાં ગયા હતા. યમુના નગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં તેઓ રોકાયા હતા. બુધવારે બપોરે બે વાગ્યાની આસપાસ કિરણ અને સંજય પૈસા લઇને મકાનમાં પહોચ્યા હતા. ત્યારે બુધવારે પાંચેક યુવકો કાર સાથે આવ્યા હતા. જેમાથી એકે મોઢા પર માસ્ક પહેર્યું હતું. 5 લોકોમાંથી એક કારમાં જ રોકાયો અને અન્ય ચાર લોકો મકાનમાં ઘુસ્યા હતા. મકાનમાં ઘુસતા જ બંદૂક નીકાળી અને કિરણ પાસેથી બેગ છીનવી લીધી હતી. બંદૂક જોઇને સંજય ગભરાઇ ગયો હતો અને તેણે પહેલા માળેથી છલાંગ લગાવી દીધી હતી. સમયનો ફાયદો ઉઠાવી ચાર લૂંટારુઓ કિરણ પાસેથી બેગ છીનવી કાર લઇ ફરાર થઇ ગયા હતા.

એસપી કુલદીપ સિંહ, ડીએસપી હેડક્વાર્ટર સુભાષ ચંદ, સ્પેશિયલ ડિટેક્ટીવ યુનિટ અને સીઆઈએ વનની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડીએસપી હેડક્વાર્ટર સુભાષચંદના જણાવ્યા અનુસાર, બે બેગમાં 80 લાખ રૂપિયા હતા તેમજ કિરણ પટેલની ફરિયાદ પરથી લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે. બિલ્ડિંગના અન્ય લોકોનું પણ કહેવું છે કે, તેમના મકાનમાંથી વાસણ ખખડવાનો અવાજ આવતો હતો. આ મકાનના ચોથા માળે સ્પેશિયલ ડિટેક્ટિવ યૂનિટના ઇન્ચાર્જ મહાવીર સિંહ પણ ભાડે રહેતા હતા. મહાવીર સિંહને પણ યુવકોના કામકાજ પર શંકા હતી. આ વિષે તેમણે મકાન માલિકને પણ વાત કરી હતી. હાલ પોલીસે આ ઘટનામાં વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.