મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી રહી છે. વિકાસના કામોની ગ્રાન્ટમાંથી બારોબાર ૪૦ ટકા રકમ સરકારી બાબુઓના ખિસ્સામાં જતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. બંને તાલુકામાં કોઈ રણીધણી જ ન હોય તેમ વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર આદરી કોન્ટ્રાકટર અધિકારીઓ તેમજ સ્થાનીક પદાધિકારીઓની મીલીભગતથી હલકી કક્ષાના ગુણવત્તા વગરના કામો કરવામાં આવી રહ્યા છે. બંને તાલુકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ગ્રાન્ટમાંથી થયેલ વિકાસના કામોની વીજલીન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહીં...!! મેઘરજ તાલુકાના મોટી પંડુલી ગ્રામ પંચાયતમ સમાવિષ્ઠ નાની પંડુલી પ્રાથમીક શાળાની પ્રોટેક્શન વોલ ૭૦ દિવસમાં ધરાશાઈ થતા લોકોમાં ભારે આક્રોશ છવાયો છે. ભ્રષ્ટાચારની દીવાલ બનાવનાર કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ ટીમ દ્વારા તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે.


 

 

 

 

 

અરવલ્લી જીલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા મેઘરજ અને ભિલોડા તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા વર્ષે દહાડે અબજો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે અંતરિયાળ વિસ્તારમાં વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા રોડ, પાકા રસ્તાઓ, પ્રોટેક્શન દીવાલ, તળાવ ઉંડા કરવા, ગટર, શૌચાલય જેવી ભૌતીક અને સિંચાઈની સુવિધાઓ પ્રજાજનોને મળી રહે તે માટે ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ વિકાસના કામોમાં કોન્ટ્રાકટરો ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત અને સ્થાનિક પદાધિકારીઓના રક્ષણ હેઠળ વેઠ ઉતરી હલકી કક્ષાની કામગીરી કરી મોટા પ્રમાણમાં ભાગ બટાઈ થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે. ત્યારે નાની પંડુલી પ્રાથમીક શાળામાં બે મહિના અગાઉ ૭ લાખના ખર્ચે બનાવેલ  પ્રોટેક્શન વોલમાં લોટ લાકડું અને પાણી જેવું હલકી ગુણવત્તા વાળું મટેરીયલ વાપર્યું હોય તેમ પ્રોટેક્શન વોલ ૭૦ દિવસ કરતા પણ ઓછા સમયમાં ધરાશાઈ થઇ જતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિક આદિવાસી અગ્રણી બંશી ડેંડુંણે પ્રોટેક્શન દીવાલમાં કોન્ટ્રાકટરે અધિકારીઓની મીલી ભગત થી ભારે ભ્રષ્ટાચાર આદર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી હતી.