મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :  ગુજરાતમાં નેતાઓની દાદાગીરી સામે અનેક અધિકારીઓ અને કર્મચારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કમળ પટ્ટા પહેરી કેટલાક પદાધિકારીઓ અને કાર્યકરો ભાજપની છબીને નુકશાન પહોંચાડી રહ્યા છે. રાજ્યમાં સત્તાધારી પક્ષના કેટલાક પદાધિકારીઓ તો જાણે પોતે જ સરકાર હોય તેવો રૂઆબ છાંટી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક ભાજપ સાથે સંકળાયેલ અને સંગઠનમાં હોદ્દો ધરાવતા નેતાએ મેઘરજમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે દમદાટી આપતા હોવાની સાથે બદલી કરવાની ધમકી આપતા સરકારી કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મેઘરજમાં ફરજ બજાવતા એક મહિલા અધિકારીએ ભાજપનો ખેસ પહેરી સતત હેરાનગતી કરતા નેતા સામે પ્રદેશ સંગઠનમાં રજુઆત કરતા પ્રદેશ સંગઠનમાંથી નેતાને ફોન કરતા નેતા ઠંડા પડી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

Advertisement


 

 

 

 

 

રાજકીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર, મેઘરજ તાલુકામાં ભાજપ સાથે સંકળાયેલા એક નેતાએ સંગઠનમાં હોદ્દો મળતાની સાથે હવામાં ઉડવા લાગ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સ્થાન પામેલ એક મંત્રી સાથે ઘરાબો ધરાવતા હોવાની શેખી મારી તાલુકામાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સામે મનફાવે તેવું વર્તન કરવાનું ચાલુ કર્યું હતું અને હું કહું એ પ્રમાણે જીલ્લામાં વિકાસના કામો થવા જોઈએ અને મારા કહ્યા પ્રમાણે નહીં કરો તો ગમે તે ઘડીએ બદલી કરાવી દેવાની ચીમકી આપતા કચેરીએ કચેરીએ ફરતા સત્તાધારી પક્ષના નેતા હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓ નેતાજીની દાદાગીરી સામે અવાજ ઉઠાવવામાં ડરતા હતા. ત્યારે એક ઉચ્ચ સંપર્ક ધરાવતા મહિલા અધિકારીને દમ મારતા શરૂઆતમાં મહિલા અધિકારીએ નેતાને હળવેક થી લેતા નેતા ફાટીને ધુમાડે ગયા હતા. 

મેઘરજ તાલુકામાં ફરજ બજાવતા મહિલા અધિકારીએ નેતાની શાન ઠેકાણે લાવવા આખરે પ્રદેશ સંગઠનમાં આ નેતા સામે રજુઆત કરતા પ્રદેશ સંગઠન પણ ચોકી ઉઠ્યું હતું. અને તાબડતોડ કાર્યાલયથી નેતાને ફોન કરી સરખા રહેવા જણાવતા નેતાનો નશો ઉતરી ગયો હતો અને ઠંડા પડી ગયા છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા મેઘરજ નગર અને ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોમાં જામી છે. પોતાને મોટા ગજના નેતા માની બેઠેલા નેતાને પ્રદેશ સંગઠનમાંથી ફોન આવતા તાલુકામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદ છવાયો છે.