મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજઃ અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બેડજ પંથકમાં ખૂંખાર દીપડો દેખા દેતા વારંવાર મેઘરાજ પંથકના પ્રજાજનોએ દીપડાને પાંજરે પુરવા વનવિભાગ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પાંજરે પુરવામાં મુનાસીબ નહીં માનતા માલપુર અને મેઘરજ તાલુકાના અંતિરીયાળ વિસ્તારોમાં જંગલી જાનવરોનો હુમલો યથાવત જોવા મળી રહ્યો છે. મેઘરજ તાલુકાના ગોંધાવાડા ગામે  ચાર બકરીઓનું જંગલી જાનવરે મારણ કરતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ગોંધવાડા ગામના અસારી નરસિંહભાઇ જેવાભાઇના ઘરે વહેલી સવારના અરસામાં જંગલી જાનવરે વાડામાં બાંધેલા બે બકરાને ફાડી ખાધા છે. વહેલી સવારે જ્યારે નરસિંહભાઇના પત્ની એ વાડામાં જોયું તો બકરા મૃત હાલતમાં જોવા મળ્યા હતા. સ્થાનિકોનું માનીએ તો દીપડાએ બકરીઓનું મારણ કર્યુ હોય તેવું જણાવાય છે. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં માલધારીઓમાં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ સમગ્ર મામલાથી વન વિભાગ અજાણ હોય તેવુ લાગી રહ્યું છે.  દસ દિવસ અગાઉ માલપુરના મેવડામાં આવી જ ઘટનામાં ઘર આગળ બાંધેલ તબેલામાંથી વાછરડાનું  મારણ કર્યું હતું.