મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આવેલી દૂધ ઉત્પાદક મંડળી અને સહકારી મંડળીઓમાં સમયાંતરે લાખ્ખો, કરોડો રૂપિયાની ઉચાપત સત્તાધીશો અને કર્મચારીઓ કરતાં હોવાની ઘટનાઓ નોંધાતી રહે છે. જીલ્લા રજીસ્ટ્રાર કચેરીની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ભ્રષ્ટાચારીઓને ખુલ્લોદોર મળતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે દૂધ ઉત્પાદક મંડળીમાં વર્ષ- ૨૦૧૮ થી ગેરવહીવટ ચાલતો હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે દૂધમંડળીમાં ચાલતા ગેરવહીવટ અંગે થોડા મહિના અગાઉ જીલ્લા રજીસ્ટ્રારમાં રજૂઆત કરનાર શખ્સ પર ડેરીના સેક્રટરી અને તેના પરિવારે હિચકારો હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. તેને બચાવવા જતા અન્ય શખ્શને પણ માર માર્યો હતો. જીવલેણ હુમલાના પગલે ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા હુમલાની ઘટનાના પગલે મેઘરજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઇપલોડા ગામના મનહરભાઈ પરમાભાઈ પટેલ ગામમાં આવેલ દૂધ ઉત્પાદક મંડળીમાં કામકાજ અર્થે ગયા હતા ત્યારે દૂધ મંડળીમાં ગ્રાહકો પાસેથી પગાર બિલમાં અને નફા વહેંચણીના બાંહેધરી પત્રકમાં સહી લેવાની કામગીરી ચાલી રહી હતી. જે અંગે સેક્રેટરી આકાશ કાંતિભાઈ પટેલને ફક્ત પગાર બિલમાં સહી લેવાનું કહી દૂધ મંડળીની બહાર બેઠા હતા ત્યારે અગાઉ પણ દૂધમંડળીમાં ગેરવહીવટ ચાલતો હોવા અંગે જીલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરેલ હોવાથી તેની અદાવત રાખી મનહર પટેલ પર સેક્રેટરી આકાશ કાંતિભાઈ પટેલ અને તેના પરિવારજનોએ હિચકારો હુમલો કરી ગડદા પાટુનો મારમાર્યો હતો. નજીકમાં રહેલા મુકેશભાઈ શકરાભાઈ વાળંદ બચાવવા જતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. બંનેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોકો દોડી આવી બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. સેક્રેટરી અને તેના પરિવારજનોએ મનહરભાઈ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલો થાળે પાડ્યો હતો સેક્રેટરી અને તેના પરિવારજનોની દાદાગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

મેઘરજ પોલીસે મનહરભાઈ પરમાભાઈ પટેલની ફરિયાદના આધારે 1) કાંતિ રણછોડભાઈ પટેલ, 2) આકાશ કાંતિભાઈ પટેલ, 3) જીગ્નેશ મગનભાઈ પટેલ, 4) દિપીકા કાંતિભાઈ પટેલ, 5) જ્યોતિકા કાંતિભાઈ પટેલ વિરુદ્ધ ઇપીકો કલમ- ૧૪૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.