મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : આઝાદીના ૭ દાયકા પછી પણ અરવલ્લી જીલ્લામાં વિકાસની ગતિ અટવાઈ પડી છે અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નામે ફક્ત વાયદાઓ થતા રહ્યા છે. વહીવટી તંત્ર કે રાજકીય અગ્રણીઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે દુર્લક્ષ સેવતા પરિસ્થિતિ જ્યાંને ત્યાં જોવા મળી રહી છે. મેઘરજ તાલુકાના ઇપલોડા ગામ સહીત આજુબાજુના ૧૦ જેટલા ગામોની વર્ષો જૂની સિંચાઇની માંગણી અને ઇપલોડા-પીસાલ વચ્ચે પસાર થતી વાત્રક નદી પર પુલ બનાવવાની માંગ સાથે ખેડૂતો અને લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં તાલુકા-જીલ્લા મથકે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી બહિષ્કારની ચીમકી પછી કહેવાતા રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ દોડતા થતા હોવાની સાથે બાહેંધરી આપતા હોય છે. ચૂંટણી પછી સમસ્યા હતી ત્યાં ને ત્યાં રહેતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.


 

 

 

 

 

મેઘરજ તાલુકાના ઇપલોડા ગામ સહીત આજુબાજુના ૧૦ થી વધુ ગામો વર્ષોથી સિંચાઈના પાણીની સુવિધા માટે તરસી રહ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ અંગે રાજ્ય સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી. નજીકમાં પાદેડી ગામની સુજલામ સુફલામ યોજનામાંથી પાઈપલાઈન દ્વારા પાણી આપી શકાય તેમ હોવા છતાં ઇપલોડા પંથકને સિંચાઇથી વંચીત રાખતા ખેતીને ભારે નુકશાન થઇ રહ્યું છે. જયારે મહેન્દ્રસિંહ ચૌહાણ સાંસદ હતા ત્યારે તેમને સાથે રાખી મંત્રી નીતિન પટેલને મળી રજુઆત કરવા છતાં ન્યાય નહિ મળતા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

પાણી નહીં તો વોટ નહીં અને પુલ નહીં તો વોટ નહીંના બૅનર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મેઘરજ તાલુકા નું પિશાલ ગામ તાલુકા ની ઇપલોડા ગ્રામપંચાયત માં આવે છે. આ વિસ્તાર ના લોકો ખેતી અને પશુપાલન ના વ્યવસાય પર નિર્ભર છે. તેઓ ને ગ્રામપંચાયત નું કઈ પણ કામકાજ હોય સસ્તા અનાજ ની દુકાને થી વ્યાજબી ભાવનું અનાજ કેરોસીન લેવું હોય તો ઇપલોડા ગામે જવું પડે અને પિશાલ થી ઇપલોડા ગામ વચ્ચે 1 કિલોમીટર ના અંતરે વાત્રક નદી આવે છે. જે ચોમાસા માં પુલ ના હોવાને કારણે જઈ શકાતું નથી. આ વિસ્તાર ની ગરીબ જનતા ને જવું હોય તો 15 કિલોમીટર ફરી ને જવું પડેછે જે ચીજવસ્તુ ની કિંમત કરતા ભાડું વધી જાય તેમ છે. વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી ચોમાસા માં અભ્યાસ થી વંચિત રહેવું પડે છે. જેથી સત્વરે પિશાલ અને ઇપલોડા ગામ ને જોડતા રસ્તે આવતી વાત્રક નદી પર પુલ બનાવવામાં આવે ની માગ પણ ટલ્લે ચઢાવતા  આખરે ખેડૂતો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.