મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું હોવાની સાથે અધિકારીઓ રાજ્ય સરકારના આદેશ અનુસાર જીલ્લાનો વહીવટ કરી રહ્યા હોવાનો કોંગ્રેસના પદાધિકારીઓ અનેક વાર બૂમો પાડી ચુક્યા છે. ત્યારે મેઘરજ તાલુકા પંચાયતમાં ભાજપ સત્તાધારી પક્ષ છે. તાલુકા પંચાયત પ્રમુખ સુરતાબેન ડામોરે તાલુકામાં વર્ષ-૨૦૨૦-૨૧ ના એટીવીટી યોજના હેઠળ વિકાસના કામોમાં પંચાયત પ્રમુખ અને કમિટીએ સૂચવેલ વિકાસના કામોની યાદી બદલાઈ જતા સમસમી ઉઠ્યા હતા. આ અંગે પ્રભારી મંત્રી રમણ પાટકર અને કલેક્ટરને લેખિત રજુઆત કરી એટીવટી હેઠળ વિકાસના કામો રદ કરી નાખવા માંગ કરતા જીલ્લા આયોજન અધિકારીએ પ્રાંત અધિકારી મોડાસાને મેઘરજ તાલુકાના એટીવીટી વર્ષ ૨૦૨૦-૨૧ ના વિકાસના કામો રદ કરવા અંગે સ્પષ્ટતા માંગતા મેઘરજના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મેઘરજ તાલુકાના વિકાસ માટે સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવા છતાં અંતરિયાળ વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે મેઘરજમાં વિકાસના કામોમાં થતો લખલૂંટ ભ્રષ્ટાચાર જગજાહેર છે. કામો મંજુર કરાવવા વહીવટ અનિવાર્ય બની ગયો છે ત્યારે મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ સુરતા બેન ડામોરે તાલુકામાં એટીવીટીના કામો અંગે કમિટીમાં નક્કી કરેલ વિકાસના કામો બદલાઈ જતા આ અંગે વિકાસના કામો અંગે ફરીથી કમીટી બોલવામાં આવેની માંગ કરી વિકાસના કામો સ્થગીત કરવા જીલ્લા પ્રભારી મંત્રી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચ્યો છે ત્યારે મેઘરજ તાલુકામાં અધિકારી રાજ ચાલતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

તાલુકામાં એટીવીટી યોજના હેઠળ આ રીતે વિકાસના કામો નક્કી થતા હોય છે

તાલુકામાં દર વર્ષે એટીવીટી યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવે છે જેમાં પ્રાંત અધિકારી, ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને ત્રણ સભ્યોની કમીટી વચ્ચે બેઠક મળતી હોય છે. જેમાં સર્વાનુમતે તાલુકામાં વિકાસના કામો અંગે ચર્ચા કરી જરૂરિયાત પ્રમાણે વિકાસના કામોના વિસ્તાર નક્કી કરવામાં આવે છે અને આ અંગે દરખાસ્ત કરી જીલ્લા આયોજન અધિકારીને મોકલી આપવામાં આવે છે.