મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમારે ચાર્જ સાંભળતાંની સાથે જીલ્લામાં વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા કમરકસી છે. મેઘરજ તાલુકાના માનડા ગામની તલાવડી માંથી એક વર્ષ અગાઉ ભુવાલ ગામના ૨૬ વર્ષીય રણજીતભાઈ ભુરાભાઇ ડામોર નામના યુવકની લાશ મળી આવી હતી. ઇસરી પોલીસે તળાવમાંથી લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી અપાઈ હતી. એફએસલ રિપોર્ટમાં યુવકનું મૃત્યુ ઝેર પીવાથી મોત નીપજ્યું બહાર આવતા ઇસરી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગૂન્હો નોંધવામાં આવ્યો હતો. ઇસરી પોલીસનો હત્યાના ગુન્હો ઉકેલવામાં પનો ટૂંકો પડતા એક વર્ષ જેટલા સમય સુધી હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહેતા ડીવાયએસપી ભરત બાસિયાએ વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા તેમના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલસીબીને તપાસ સોંપતા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી મૃતકના સાઢુ પ્રભુભાઈ મણાભાઈ ખરાડી નામના હત્યારાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 

મેઘરજ તાલુકાના માનડા ગામે રહેતા પ્રભુભાઈ મણાભાઈ ખરાડીએ એક વર્ષ અગાઉ તેની પત્ની સાથે તેના સાઢુ રણજીતભાઇ ભુરાભાઇ ડામોરને પ્રેમ સંબંધ હોવાનો વ્હેમ પેદા થતા રણજીતભાઈ ની હત્યા કરવાનો અને હત્યાંને આકસ્મિક મૃત્યુમાં ખપાવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં મહદંશે સફળ પણ રહ્યો હતો પરંતુ પાપ છાપરે ચઢી પોકારે યુક્તિને યર્થાત ઠેરાવતા એક વર્ષ પછી એલસીબી પોલીસે હત્યારા પ્રભુ મણાભાઈ ખરાડીને દબોચી લીધો હતો.
 
પ્રભુ મણાભાઈ ખરાડીએ ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ મહેમાન ગતિએ આવેલા તેના સાઢુ રણજીતભાઇને મોતને ઘાટ ઉતારવા દારૂની મહેફિલ જમાવી ઝેરી દવા ભેળવેલ દારૂ પીવડાવતા રણજિત ઢળી પાડ્યો હતો. રણજિત મોતને ભેટતા હત્યાંની ઘટના છુપાવવા રણજીતની લાશને ગામ નજીક આવેલ તલાવડીમાં નાખી દઈ ઠંડાં કલેજે હત્યાનો અંજામ આપી રાબેતા મુજબ જીવન જીવવા લાગ્યો હતો. એલસીબી પોલીસે બાતમીદારોના આધારે અને આગવી ઢબે પ્રભુ ખરાડીની પૂછપરછ કરતા પ્રભુ ખરાડી પોપટની માફક હત્યાને કઈ રીતે અંજામ આપ્યોનું કબુલી લીધું હતું. અરવલ્લી એલસીબી પોલીસે હત્યારા પ્રભુ ખરાડીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.