મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી :અરવલ્લી જીલ્લાના મુખ્ય અને અંતરીયાળ માર્ગો પરથી વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે. જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. મેઘરજ પોલીસે ઘોડાફાર્મ નજીક બાતમીના આધારે રાજસ્થાન પાસીંગની ફોર્ડ ફીગો કારમાંથી ૧.૭૮ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કાર ચાલક બુટલેગરની ધરપકડ કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યાં હતા. 

મેઘરજ પીઆઈ એમ.ડી.પંચાલ અને તેમની ટીમે મેઘરજ નજીક આવેલા ઘોડાફાર્મ પાસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું. ત્યારે પીઆઈ પંચાલને રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી ફોર્ડ ફીગો કાર પસાર થવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારીત કાર રાજસ્થાન તરફથી આવતા અટકાવી કોર્ડન કરી કારની તલાસી લેતા કારમાંથી રૂ.૧.૭૮ લાખથી વધુનો દારૂ મળી આવતા કાર ચાલક કીશન ડોગરભાઈ પટેલ (રહે,ડબોક-ઉદેપુર)ને દબોચી લઇ વિદેશી દારૂ,કાર,મોબાઈલ મળી કુલ.રૂ.૬.૮૮ લાખથી વધુંનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ જીતુ પટેલ (ડબોક-ઉદેપુર) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.