મેરાન્યૂઝ નેટવર્ક.કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની એન્ટી બીજેપી યુનાઈટેડ ઈન્ડિયા રેલીમાં આજે કોલકત્તામાં વિપક્ષિ દળોનો જમાવડો લાગ્યો છે અને ભારે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. સંયુક્ત વિપક્ષ રેલીમાં મોટા ભાગે એન્ટિ-એનડીએ દળો શામેલ થવાની આશા છે. જેમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને વડગામથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું કે, દેશને બચાવવા માટે આજે વિપક્ષ એક સાથે જોડાયો છે. જેમ સુભાષ બાબુ દેશના માટે ગોરાઓ સાથે લડ્યા હતા તેવી જ રીતે અમે આ ચોરો સામે મળીને લડવું પડશે.

હાર્દિકે વધુમાં કહ્યું કે, હું દાવા સાથે કહું છું કે આ જનમેદની એક એવી ક્રાંતિ લઈને આવશે જેની કલ્પના નહીં કરી શકાય. કાર્યક્રમ દરમિયાન જિગ્નેશ મેવાણીએ પણ હાજરી આપી હતી અને કહ્યું હતું કે, વિપક્ષનું એક સાથે આવવું ઘણો મોટો સંદેશ છે. દેશનું લોકતંત્ર હાલ જોખમમાં છે. ખેડૂતોથી માંડીને નવ યુવાનો સુધી તમામ લોકો પરેશાન છે. દલિતો અને મજુરોનું શોષણ થઈ રહ્યું છે.

મેવાણીએ એવું પણ કહ્યું કે આ સરકારના શાસનમાં સંવિધાનને પુરો કરી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જોકે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે માયાવતીની ગેર હાજરી પણ જોવા મળી હતી. જ્યારે અખિલેશ યાદવ, બીએસપીના સતિશ મિશ્રા, એનસીપીના શરદ પવાર, ટીડીપીના ચંદ્રબાબૂ નાયડૂ, ડીએમકે ચીફ એમકે સ્ટાલિન, જેડીએસના એચડી દેવગૌડા અને તેમના પુત્ર કુમારાસ્વામી, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને અભિષેક મનુ સંઘવી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, નેશનલ કોનફ્રન્સના ફારુક અબદુલ્લા અને તેમના પુત્ર ઉમર અબદુલ્લા, આરજેડીના તેજસ્વી યાદવ, આરએલડીના જયંત ચૌધરી અને અજીત સિંહ, જેએમએમના હેમંત સોરેન, લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ વગેરે નેતાઓએ સહમતી દર્શાવી અને સ્થળ પર હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ દળો સાથે ભાજપના યશવંત સિન્હા અને શત્રુધ્ન સિન્હા તથા અરુણ શૌરી પણ મંચ પર આવી પહોંચ્યા હતા.

જોકે બીજી તરફ ભાજપે મમતા બેનર્જીની આ રેલીને સર્કસ કહીને મજાક કરી દીધી હતી. ભાજપના પ્રદેશ નેતા દિલીપ ઘોષએ કહ્યું કે, રાજનીતિથી નિવૃત્તિ લઈ ચુકેલા અને થાકેલા તમામ જુના નેતાઓ આ રેલીમાં આવી રહ્યા છે, જેમની પોતાના પ્રદેશોમાં જ ઓળખ આટોપાઈ ગઈ છે. જે દળોને જનતા નકારી ચુકી છે, ફક્ત લાઈમલાઈટમાં આવવા માટે સર્કસમાં આવી રહ્યા છે.