કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): થોડા દિવસ અગાઉ ભારત દ્વારા બાંગ્લાદેશને કોરોનાની 30,000 ટેસ્ટિંગ કીટ પહોંચાડી. કીટ મળતાવેંત બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.કે. અબદુલ મોમેનનું નિવેદન આવ્યું કે, “નવી દિલ્હી માટે ઢાકાનું શું મહત્વ છે, તે આનાથી દર્શાય થાય છે.” આ અગાઉ પણ ભારતે 30,000 સર્જિકલ માસ્ક, 500000 સર્જિકલ ગ્વોવ્ઝ અને એક લાખ હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ્સ બાંગ્લાદેશને પહોંચાડ્યા હતા. અફઘાનિસ્તાનને પણ જરૂરી દવાઓ સહિત 75,000 મેટ્રિક ટન ગહૂંની મદદ ભારતે પહોંચાડી છે. માલદિવને મસમોટો મદદનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતની મદદ મેળવનારાં દેશોમાં ભૂતાન, નેપાળ જેવાં એશિયાઈ દેશો છે. સાથે અમેરિકા, સ્પેન, જર્મની, ડોમેનિયન રિપબ્લિક અને બ્રાઝિલ પણ છે. આ તમામ દેશના આગેવાનોએ ભારતે કટોકટી કાળમાં આપેલી મદદને લઈને ખૂબ આભાર માન્યો છે.

દેશમાં જ્યારે સ્વાસ્થ કટોકટી હોય ત્યારે અન્ય દેશોને ખુલ્લાં હાથે થતી મદદ અંગે સ્વાભાવિક છે કે સરકાર પોતાનો મત વ્યક્ત કરવો પડે અને તે કર્યો પણ છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે : “હાઇડ્રોક્સીક્લોરોક્વીનનીવિશ્વમાં ખૂબ માંગ છે. અમે સ્થાનિક માંગ અને ઉપલબ્ધ જથ્થાનું અનુમાન લગાવ્યું છે અને સરપ્લસ સ્ટોકને અન્ય દેશોને મદદના ભાગરૂપે પહોંચાડીએ છીએ. આ બધું જ ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ના આધારે થઈ રહ્યું છે. પરંતુ અમે પાડોશીઓને પ્રાથમિકતા આપી છે કારણ કે આ દેશોમાં કોરોના પ્રસરવાની શક્યતા વધુ છે.” આ મદદ માનવતાના ધોરણે થઈ રહી છે તેવો દાવો સરકારે કર્યો છે, પણ માનવતાના માપદંડમાં પાકિસ્તાનનીબાદબાકી રહી છે. કટોકટીના આ કાળમાં પણ ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે અંતર રાખીને વર્તી રહ્યા છે.

ભારત જેમ પાડોશીધર્મ નિભાવી રહ્યું છે, તેમ ચીન પણ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ચીને પાકિસ્તાનને જથ્થાબંધ દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટ મોકલી આપ્યા છે. બાંગ્લાદેશે પણ ચીન પાસેથી મસમોટી મદદ મેળવી છે. ઉપરાંત શ્રીલંકા, નેપાળને પણ કોરોનાની કટોકટીમાં આવશ્યક ચીજવસ્તુઓ મોકલી છે. આ રીતે સામાન્ય લોકોને મદદ મળી રહી છે.આ સખાવતને લઈનેમદદકર્તા દેશો તરફથી ‘માનવધર્મ’ નિભાવવાના નિવેદન આવી રહ્યા છે. જોકેતેમાં ઇરાદો માત્ર માનવતાનો નથી. ડિપ્લોમેટિક દુનિયાનું વલણ

સામાન્ય સંજોગોમાં જે રીતે જોવા મળે છે તેવી જ ગણતરીઓ અત્યારે પણ મંડાઈ રહી છે. ભારત પણ એ જ રીતે સખાવત કરી રહ્યું છે. ચીનને તો પોતાની છબીને ઠીકઠાક કરવી છે તે અર્થે પણ થોકબંધ મદદ કરવાની નીતિ અપનાવી છે.

મેડિકલ ડિપ્લોમસી મજબૂત દેશો જ કરી શકે છે, તેમાં જંગી રોકાણ અને સંસાધનો જોઈએ. અમેરિકા, ચીન સમયાંતરે આ પ્રકારની ડિપ્લોમસી કરતાં આવ્યા છે. ચીનનું ‘દઇશન દાઓ’ નામનું એક હોસ્પિટલ જહાજ  તો તેના માંટે જ ફાળવેલું છે. ચીનની આ જહાજ દરીયાઈ માર્ગે પોતાનાં સંબંધોને જીવંત કરતું રહ્યું છે. આવો ખેલ પાડવાના હોય અને તેમાં અમેરિકાનું નામ ન આવે તો જ નવાઈ. અમેરિકા મેડિકલ ડિપ્લમેસીના નામે અનેક દેશોમાં એન્ટ્રી મેળવીને પોતાનું સ્થાન મજબૂત કરતું રહ્યું છે. અમેરિકા તો મેડિકલ ડિપ્લોમેસીને ડિફેન્સ ડિપ્લોમસી અંતર્ગત જ ગણે છે. જોકે અમેરિકાઅત્યારે મુશ્કેલીમાં છે, તેથી પ્રત્યક્ષ માનવીય મળે તે પર ધ્યાન આપી શકતું નથી. આ સંજોગોમાં અમેરિકાએ ભારત, પાકિસ્તાન સહિત 64 દેશોને ભંડોળ આપ્યું છે. ચીન જ્યારે પૂરા દુનિયામાં મદદ પહોંચાડતું હોય ત્યારે અમેરિકાનું નામ મદદના ખાનામાં ન હોય તે તેને ભવિષ્ય માટે ન પોસાય. મેડિકલ ડિપ્લોમસીને વ્યાપક પ્રમાણમાં અમલ કરનાર દેશ તરીકે ક્યૂબાનું નામ દેવાય છે. ક્યૂબા પાસે તે માટે ચાળીસ હજાર ઉપરાંતનો સજ્જ મેડિકલ સ્ટાફ છે. લેટિન અમેરિકા અને આફ્રિકામાં ક્યૂબા નિયમિત આ પ્રકારની મદદ પહોંચાડતું રહ્યું છે.

આ કાળે રાજકીય આગેવાનો મદદ કરવા માટે સામાન્ય સંજોગોની ડિપ્લોમસીની વિસર્યા નથી. આ કારણે જ પોતાના દેશોના લોકો મદદ માટે ટળવળતા હોય ત્યારે બહાર મદદ કરીને વિશ્વ સમક્ષ શૂરા બને છે.