ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ રબરના ભાવ નવી ઊંચાઈએ જવા સાથે સ્થાનિક બજારામાં પુરવઠા અછત ગંભીર બની છે. આની સીધી અસરે ગુરુવારે એમસીએક્સ ૩૧ ઓગસ્ટ પાકતા/રોકડા વાયદામાં નવી લેવાલી અને મંદિવાળાના વેચાણ કપાતા, સાવ ઓછા સોદે પણ ભાવ રૂ. ૧૭,૬૨૧ પ્રતિ ટનની લાઈફ ટાઈમ ઊંચાઈએ પહોંચી ગયા હતા. એમસીએક્સ પર રબર વાયદા ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ટીકર બોર્ડ (ભાવના પાટિયા) પર આવ્યા હતા. જાગતિક કોમોડિટીની વર્તમાન તેજીએ પણ રબરની તેજીને મદદ કરી હતી. 

રબર ટ્રેડરોનું માનવું છે કે ટૂંકા અને મધ્યમગાળામાં આ વાયદો રૂ. ૧૭,૯૦૦થી ૧૮,૧૦૦ની નવી ઊંચાઈ ધારણ કરશે. મજબૂત માંગ અને વરસાદને કારણે રબર દોહન અટકતા હાજરબજાર પણ ટાઈટ થઈ ગઈ હતી, કોચીન રબર બોર્ડ ખાતે હાજર આરએસએસ-૪ ગ્રેડના ભાવ કિલો દીઠ રૂ. ૧૭૪.૫૦ બોલાયા પછી રૂ. ૧૭૪ મુકાયા હતા. ટોક્યો રબર એક્સ્ચેન્જ પર વાયદો કિલો દીઠ ૨૭૧.૩૯ યેન બોલાયો હતો.

Advertisement


 

 

 

 

 

જાગતિક અર્થતંત્રોમાં જીવંતતા આવવાને લીધે રબરની મજબૂત માંગના આશાવાદ પાછળ ગત સપ્તાહે ટોકોમ વાયદો ૪.૫ ટકા વધ્યો હતો, જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ સાપ્તાહિક વૃધ્ધિ હતી. ઓસાકા રબર વાયદો ૨૧૯.૩ યેન (બે ડોલર) મુકાયો હતો. ચીન દ્વારા ટેકનોલોજી ઉધ્યોગ પર મૂકવામાં આવેલા નિયંત્રણો વધુ કડક બનાવાતા શાંઘાઇ ફુયુચર્સ એક્સ્ચેન્જ પર રબર વાયદો ટૂંકાગાળા માટે દબાણમાં આવે તેવી સંભાવના છે.     
 
ભારતીય રબર સામાન બનાવતી કંપનીઓનું માનવું છે કે જો કોરોના મહામારીનો નવો તબક્કો નહીં આવે તો રબરના ભાવ આસમાને જશે. જહાજી નૂર આસમાને જવા સાથે જહાજોની ઉપલબ્ધિ ઘટતા  ભારતમાં આયાત બહુ મોંઘી પાડવાના અણસાર છે. આરએસએસ અને ટીઆરએસ રબર આયાત પર સીઆઈએફ વેલ્યૂ આધારે પચીસ ટકા બેસિક ડયુટી અને તેના પર વધારાની જકાતે રબર ઉત્પાદકોની ઉત્પાદન પડતર ખૂબ વધી ગઈ છે. પરિણામે આયાત કરતાં સ્થાનિક રબર ખરીદી વધુ પસંદ કરાઇ રહી છે.   

એસોસિયેશન ઓફ નેચરલ રબર પ્રોડયુસીંગ કંટ્રીઝનો માર્કેટ ઇન્ટેલિજન્સ અહેવાલ પણ કહે છે કે માંગ પુરવઠાના નવા વાહેણો, અને ડોલરની મજબૂતી ટૂંકાગાળામાં રબરના ભાવને વધુ મજબૂત બનાવશે. ચીન એકલું આખા જગતનું ૪૩ ટકા રબર વપરાશકાર છે, ભારત જાગતિક ઉત્પાદનના ૮ ટકા વપરાશ કરે છે. 

Advertisement


 

 

 

 

 

અલબત્ત, ખાસ કરીને શાંઘાઇ એક્સ્ચેન્જ પર ભાવ દબાણમાં આવતા રબર વાયદામાં સટ્ટાકીય લેવેચ ઘટી શકે છે. ચીનમાં પરિયાવરણ નિયમનો વધુ સખત બનાવવા સાથે વૈશ્વિક અર્થતંત્રોમાં સુધારા સામે ઉભેલા અંતરાયો તેમજ જહાજી નૂરબજારમાં તેજીનો ઊભરો અને સસ્તી સેમિકંડક્ટરની અછત જેવા કારણો રબર તેજીના વ્યવધાનો છે.

જો કે અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેને રાહત પેકેજમાં પીછેહઠ નહીં કરવાના જે સંકેત આપ્યા છે તે નેચરલ રબર સહિતના તમામ કોમોડિટી બજારો માટે હકારાત્મક સમાચાર છે. કોરોનાને પગલે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની રબર માંગ તેમજ રબર દોહન ધીમું પાડવાના લીધે ટૂંકાગાળા માટે ભાવની વધઘટ સંકડાઈ જવાની શક્યતા પણ ચર્ચાનો વિષય છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)