મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ‘ઝેર પીધુ હોય તે નિલકંઠ, લાડુડી ખાધી હોય તે નિલકંઠ ન કહેવાય’ મોરારિબાપુના મોંઢામાંથી નિકળેલા આ વાક્યોએ ધર્મ ક્ષેત્રે ભારે ઉહાપોહ મચાવી દીધો છે. નિલકંઠ વર્ણીને પુજતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વાક્યોએ ખડભડાટ મચાવ્યો છે. કેટલાક મોરારિબાપુના સમર્થનમાં આવી રહ્યા છે તો કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયની, અને આ વિવાદને શાંત કરવાના ઘણા પ્રયાસો નિષ્ફળ ગયા છે. થોડું શાંત થાય તો ત્યાં જ અચાનક કોઈ નિવેદન કે ઘટનાને લઈને વિવાદ ફરી વકરી રહ્યો છે.

હાલ મોરારિબાપુના સમર્થનમાં ગુજરાતી લોક કલાકાર માયાભાઈ આહીર અને લેખક જય વસાવડાએ સ્વામિનારાયણ સંપ્રદાય તરફતી પોતાને મળેલા એવોર્ડ પરત કર્યા છે.

માયાભાઈ આહીર અને જય વસાવડાને બગસરા/સરધાર સ્વામિનારાયણ સંસ્થા તરફથી વર્ષ 2005માં રત્નાકર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ બંનેએ આ એવોર્ડ પરત કર્યો છે. આ અંગે માયાભાઈએ કહ્યું કે, બગસરાના સ્વામી વિવેક સ્વામીનું મેં નિવેદન સાંભળ્યું હતું કે કલાકારોને મેં જાણી જોઈને નથી કહ્યું પણ આ સાધુના મોંઢે સારું ન લાગે સ્વામી. તમે કલાકાર માટે નિવેદન આપ્યું છે તે તમે જુઠું બોલો નહીં પાછું તમારે કલાકારો પ્રત્યે ભાવ હોય તો સરધારમાં અમારું રત્નાકર તરીકે સન્માન કર્યું હતું પણ ગણ માટે ગવાય નહીં. અમે આ રત્નાકર એવોર્ડ પરત કરીએ છીએ. વસાવડાએ સોશ્યલ મીડિયામાં એવોર્ડ અને સાથે અપાયેલા રૂ. 21 હજાર પરત કર્યાની જાહેરાત કરી હતી.

થોડા જ દિવસો પહેલા આ વિવાદનો અંત લાવવા જુનાગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામીના નેતા હેઠળ સનાતન ધર્મની બેઠક થઈ હતી અને બેઠક બાદ વિવાદનો અંત આવ્યાનું નક્કી થયું હતું. જોકે આ બધું છતાં વિવાદ અટક્યો ક્યાં? નિવેદનો અને ઘટનાઓ હજુ પણ બની રહી છે. આ વિવાદને કારણે લોકોમાં પણ એક અજીબ એવો કચવાટ જોવા મળી રહ્યો છે. લોકો પણ ક્યાંક ટેકો તો ક્યાંક વિરોધ કરી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ એક દ્વેશ જેવી ભાવના ઊભી થઈ રહી છે. એક નિવેદને લગભગ ધર્મના સંગઠનો વચ્ચે કચવાટ ઊભો કર્યો જે ધાર્મિક બેઠક બાદ પણ સમ્યો નથી.