મેરાન્યૂઝ નેટવર્ક.ઈસ્લામાબાદઃ દેશને હચમચાવી મુકનાર પુલવામા આતંકી હુમલાને અંજામ આપનાર જૈશ એ મહોમ્મદનો ઓપરેશનલ ચીફ અને મસૂદ અઝહરનો ભાઈ મુફ્તી અબ્દુલ રૌફ અસગરની પાકિસ્તાની સરકારે ધરપકડ કરી લીધી છે. પાકિસ્તાનમાં મંગળવારે જૈશ એ મહોમ્મદનો ચીફ મસૂદ અઝહરનો ભાઈ અને દિકરો સહિત કુલ 44 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની સરકારે તેમના ડિટેન્શન એક્ટ 1997 હેઠળ મુંબઈ હુમલાના આરોપી આતંકી હાફિસ સઈદના સંગઠનો જમાત ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત પર પ્રતિબંધ મુકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, મુફ્તી અબ્દુલ રૌફ અસગરએ માત્ર 24 વર્ષની ઉંમરે 1999માં ભારતીય એરલાઇન્સની કોમર્શિયલ ફ્લાઇટ IC-814ને હાઇજેક કરવાનો પ્લાન બનાવ્યો હતો. કંધાર પ્લેન હાઇજેકના કારણે આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર્સના જીવ બચાવવા માટે ભારતે જૈશના ચીફ મસૂદ અઝહરને છોડવો પડ્યો હતો.

કંધાર હાઇજેક બાદ મુફ્તી અસગર ભારતના ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં ગણો આગળ નિકળી ગયો. 2001થી ભારતમાં જૈશ દ્વારા જેટલાં પણ આતંકી હુમલાઓ થયા છે તેમાં અઝહરના ભાઇનો રોલ સૌથી મહત્વનો છે. 2001માં જમ્મુ-કાશ્મીર એસેમ્બલી અને સંસદમાં થયેલો ફિદાયીન હુમલો, 2016માં પઠાણકોટ IAF બેઝ હુમલો, નાગોરા અને કઠુઆ કેમ્પમાં હુમલો અને હાલમાં જ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા ખાતે બનેલા આતંકી હુમલામાં ભારતીય CRPFના 44 જવાનોની શહીદી, આ તમામ આતંકી હુમલાઓ મસૂદ અઝહરના ઇશારે થયા છે, પણ તેનો માસ્ટરમાઇન્ડ મુફ્તી અસગર છે.

મળતી વિગતો પ્રમાણે, મુફ્તી અસગર હાલ PoKમાં ચાલતા આતંકી કેમ્પનો ઇનચાર્જ છે, આ ઉપરાંત તેના બાલાકોટમાં પણ કેમ્પ છે. જ્યાં ભારતીય એરફોર્સે ગત અઠવાડિયે એરસ્ટ્રાઇક કરી હતી. આ સિવાય મનશેરા અને મુઝફરાબાદમાં પણ તેના કેમ્પ છે. તે JeMમાં ભરતી થયેલા આતંકીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે, પાકિસ્તાન સરકાર અને ISIS સાથે કામકાજી સંબંધો પણ ધરાવે છે અને JeMના પ્રોપગન્ડા મટિરિયલ્સને ઓડિયો અને વીડિયો ક્લિપમાં તૈયાર પણ કરે છે. JeM માટે ફંડ એકઠું કરવાનું અને અન્ય આતંકી જૂથો સાથે સતત સંપર્કમાં રહેવાનું મુખ્ય કામ મુફ્તી અસગર જ કરતો હોય છે.