મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, પણ લોકો પોતાની મસ્તીમાં જ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે મૃતકોનો આંક પણ વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સવારે 78 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 65 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવાર સવારે બે જ્યારે બપોરે 3 મળી એક જ દિવસમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. મોડાસાના મોટા ભાગના બજારોમાં વેપારીઓ માસ્ક વિના જોવા મળી રહ્યા છે અને દુકાનોમાં ભીડ કરીને કમાણી કરવાની લ્હાયમાં બીજાની જિંદગીને પણ જોખમમાં મુકી રહ્યા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાની વકરતી સ્થિતિ હજુ આગામી દિવસમાં વધુ ગંભીર થાય તો નવાઈ નહીં, કારણ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા મેઢાસણ તેમજ ઇસરી સામુહિક કેન્દ્ર ખાતે 20 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરી દીધા છે. રાજ્યના મહાનગરોની સ્થિતિ જોઇને જિલ્લાના વેપારીઓએ થોડી સમજદારી વાપરવી જોઇએ અને માસ્ક પહેરવું જોઇએ તે ખૂબ જ જરૂરી છે, પણ વહીવટી તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા પૂરતી કાળજી રાખવામાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે બંધ દુકાનોમાં તંત્ર દ્વારા માસ્ક ડ્રાઈવ યોજી તે શું કામની.