મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ એક જવાન માટે દેશસેવા અને તેના માટે શહીદ થવું તે અત્યંત ગૌરવ ભરી બાબત હોય છે. રાજસ્થાન ભરતપુરના એક શહીદ સૌરભ કટારાને આ ગર્વ તેમના જન્મદિવસે જ મળ્યું છે. તેઓ જમ્મૂ કશ્મીરમાં કાર્યરત હતા ત્યારે કુપવાડામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં શહીદ થઈ ગયા હતા. 22 વર્ષના સૌરભ કટારા આરામીની 28મી રાષ્ટ્રીય રાયફલમાં તૈનાત હતા અને તેમની ડ્યૂટી જમ્મૂ કશ્મીરના કુપવાડામાં હતી.
અહીં મંગળવારે રાત્રે એક બોમ્બ બ્લાસ્ટમાં તેઓ શહીદ થઈ ગયા હતા. શહીદ સૌરભ કટારાના લગ્ન પણ હજુ 16 દિવસ પહેલા 8 ડિસેમ્બરે જ થયા હતા. તે 16 ડિસેમ્બર પછી પરત પોતાની ડ્યૂટી પર જતા રહ્યા હતા. ઉપરાંત જે દિવસે તે શહીદ થયા તે જ દિવસે તેમનો જન્મદિવસ પણ હતો. તેમની પત્ની કે જેની હાથની મહેંદી પણ હજુ ભૂસાઈ નથી ત્યાં તેનું સિંદુર છીનવાઈ ગયું હતું. તેમની પત્નીએ શહીદ પતિને બર્થડે વિશ કરવા માગતી હતી પરંતુ તે જ દિવસે તેને આ માહિતી મળી કે તેઓ શહીદ થઈ ગયા છે.

બુધવારે સૌરભ કટારાનો જન્મદિવસ હતો. તે જ દિવસે જ્યારે પરિવાર જન્મ દિવસની ઉજવણી કરવાના માહોલમાં હતો ત્યાં તેમના શહીદીના સમાચાર મળતાં પરિવાર શોકમાં સરી પડ્યો હતો. એક તરફ સૌરભ કટારાને ગુમાવી દેવાનું દુઃખ હોવા છતાં તેમની શહીદીનો ગર્વ તેમના પરિવારના લોકોના મુખ પર વાંચી શકાતો હતો. જોકે જ્યારે તેમના શહીદીના સમાચાર મળ્યા ત્યારે તેમના પિતા નરેશ કટારા તથા બે ભાઈ અને દાદા-દાદી સહિતનાઓએ રડી રડીને પોક મુકતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

શહીદની પત્ની પુનમ દેવીને તો કાંઈ સમજમાં જ ન આવ્યું કે તેમના પતિ તેને જલ્દી જ પાછા આવી જશે તેવી વાત કહીને ગયા હતા, પછી તેમનો પાર્થિવ દેહ પાછો આવ્યો. તેમની પત્ની તો એટલી આઘાતમાં હતી કે તે બેભાન થઈ ગઈ હતી. જોકે તેને હિમ્મત રાખીને પરિસ્થિતિનો સામનો કર્યો અને પતિની અર્થી સાથે પહોંચી અને તેમને અંતિમ વિદાય આપી હતી.