ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક ઈકોનોમી મજબુત થઇ રહી છે, તેની ખાતરી જહાજી નુર ભાડા કરાવી રહ્યા છે. આખા વિશ્વની વેપાર પરિવહન વ્યવસ્થાનો ઇન્ડીકેટર ગણાતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ, સતત ૧૭મા ટ્રેડીંગ સત્રમાં વધીને આ વર્ષે પહેલી વખત ૧૦૦૦ પોઈન્ટનો આંક વટાવી ગયો હતો. કોરોના મહામારી વચ્ચે આખા જગતનો વેપાર ધીમો પડી જતા, ૭ ફેબ્રુઆરીએ આ ઇન્ડેક્સ ૩૯૩ પોઈન્ટ, પાંચ વર્ષના તળિયે બેસી ગયો હતો. કેપ્સાઈઝ, પનામેક્સ અને સુપ્રામેક્સ માલવાહક જહાજોનો બનેલો બીડીઆઈ, આખા વિશ્વમાં બલ્ક કોમોડીટી, અનાજ, કોલસો અને આયર્ન ઓર જેવી ડ્રાય કોમોડીટીનાં વાહનને આધારે જાગતિક વ્યાપારની તંદુરસ્તીનું નિદર્શન કરે છે.

કેપ્સાઈઝ અને પનામેક્સ માલવાહક જહાજોની માંગમાં થઇ રહેલી સતત વૃધ્ધીએ, ૧૭ ડીસેમ્બર ૨૦૧૯ પછી પહેલી વખત આ ઇન્ડેક્સ એકજ દિવસમાં ૧૮.૨૨ ટકા અથવા ૧૯૨ પોઈન્ટ ઉછળીને ૧૨૪૫ પોઈન્ટ મુકાયો હતો. ઇન્ડેક્સમાં સમાવેશ કેપ્સાઈઝ માલવાહક જહાજનો ઇન્ડેક્સ જુન આરંભે ૮૨ પોઇન્ટનાં તળિયે હતી તે ગુરુવારે ૬0૧ પોઈન્ટનાં જંપ સાથે ૨૪૫૫ થયો હતો.

ચીનમાં સ્ટીલ મિલો હવે સંપૂર્ણ ઉત્પાદન ક્ષમ્તાએ કામ કરવા લાગી છે, ત્યારે આયર્ન ઓરની તીવ્ર અછત સર્જાઈ છે અને તેની જબ્બર માંગ વચ્ચે આયર્ન ઓર વાયદો પણ વેગથી વધી નવી ઉંચાઈએ ગયો હતો. તબક્કાવાર જુદાજુદા દેશની બજાર વ્યવસ્થા પુન: ખુલવા લાગતા ઉત્પાદક કંપનીઓ તરફથી ડ્રાય બલ્ક કાચામાલની રિ-સ્ટોકીંગ માંગ પણ વધવા લાગી છે. સ્ટીલહોમ કન્સલટન્સીનાં ડેટા સૂચવે છે કે ચીનના પોર્ટ પર સ્ટીલ ઉત્પાદનના કાચામાલોનો સ્ટોક (ઈન્વેન્ટરીઝ) ગત સપ્તાહે ઓક્ટોબર ૨૦૧૬ પછીના નવા તળિયે ૧૦૭૭.૫ લાખ ટન નોંધાયો હતો.

૧.૭૦થી ૧.૮૦ લાખ ટન કોલસો, આયર્ન ઓર કે અનાજ સહિતના ડ્રાય બલ્ક કાર્ગોની વહન ક્ષમ્તા ધરાવતા કેપ્સાઈઝ માલવાહક જહાજનું દૈનિક સરેરાશ નુર-ભાડું ગુરુવારે ૧૪૮૯ ડોલર વધીને ૧૪,૭૮૬ ડોલર થયું હતું. પનામેક્સ ઇન્ડેક્સ ૭.૪ ટકા અથવા ૬૫ પોઈન્ટની વૃદ્ધિ સાથે ટીકર બોર્ડ (ભાવ ફલક) પર ૯૪૯ પોઈન્ટ મુકાયો હતો. ૬૦થી ૭૦ હજાર ટનની વહન ક્ષમ્તા ધરાવતા પનામેક્સ જહાજોનું દૈનિક સરેરાશ નુર ૫૮૬ ડોલર વધીને ૮૫૪૫ ડોલર થયું હતું. આ જ ધોરણે સુપ્રામેક્સ ઇન્ડેક્સ ૧૨ પોઈન્ટ વધીને ૬૨૪ પોઈન્ટ રહ્યો હતો.     

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)