ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ઊંચા ભાવએ સોનાના ગ્રાહકોને આકર્ષવા મુંબઈના જ્વેલરોએ આજે સ્થાનિક ભાવ સામે પ્રતિ ઔંસ પાંચથી છ ડોલરનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. મુંબઇમાં આજે હાજર સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૧,૫૦૦ હતો.  દોઢ બે મહિના પછી આટલું મોટું ડિસ્કાઉન્ટ ઓફર થવાનું કારણ સમજાવતા, મુંબઈ સ્થિત મેસર્સ ઉમેદચંદ ત્રિલોકચંદ જવેલર્સના કુમાર જૈને કહ્યું હતું કે જાગતિક બજારમાં સોમવારે એકાએક ભાવ ઉછળીને ૧૯૧૧ ડોલર બોલાતા ગાઈકાલથી જ ગ્રાહકોના પગલાં બજારમાં ઓછા થઈ ગયા છે. ગત સપ્તાહ સુધી બેથી અઢી ડોલરનું પ્રીમિયમ હતું.

તેમણે કહ્યું કે ચીનમાં તો જ્વેલરોએ ક્રિસમસ તહેવારોમાં ગત સપ્તાહ સુધી ૧૯ થી ૨૪ ડોલરનું ડિસ્કાઉન્ટ આજે ઘટડાઈને ૧૫થી ૧૬ ડોલરનું સ્ટોક ક્લીયરન્સ ડિસ્કાઉન્ટ સેલ લગાડ્યું છે.   

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ૯૦૦ અબજ ડોલરનું અમેરિકન કોરોના રાહત પેકેજની જાહેરાત થઈ ગઈ અને તેના પર સવાર થઈને સોનામાં તેજીની એક ઝડપી સાયકલ સવારી થઈ ગઈ. યુકે અને અન્ય દેશમાં જોવાયેલા નવા પ્રકારના કોરોના અને લોકડાઉને રોકાણકારોમાં જોખમ લેવાની વૃત્તિ વધારી દીધી, જેને સોના ચાંદીની તેજીને ટેકો આપ્યો હતો. સોનું હવે ઓગસ્ટ આરંભે જોવાયેલા ૨૦૭૦ ડોલરના વિક્રમ ભાવથી માત્ર ૨૦૦ ડોલર દૂર છે, ટૂંકમાં બુલિયન બજાર માટે વર્ષાન્ત ઘટના પ્રચુર બની ગયું.

તમે માનો છો કે નવા વર્ષનો તહેવાર, સોના માટે નવો ઉત્સાહ વધારનાર રહેશે? સોમવારે ભાવ ૯ નવેમ્બર પછીની ઊંચાઈએ ૧૯૧૧.૭૦ ડોલરની ઊંચાઇ જોઈને મંગળવારે એશિયન ટ્રેડિંગ કલાકોમાં ૧૮૭૧ ડોલર થયો. કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ મે ૨૦૧૧ પછીના અપટ્રેન્ડમાં આ વર્ષે સતત બીજી વખત ધરખમ પ્રમાણમાં ઘટ્યો, જેણે સોનાને સલામત રોકાણનું સ્વર્ગ સ્ટેટસ પાછું મેળવવામાં મદદ કરી.

અમેરિકા સ્થિત સ્પેકયુનોમિસ્ટ કુશલ ઠાકર કહે છે કે ઓવરબોટ શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં ગયેલું જોખમી ફંડ, બુલિયન બજારમાં પાછું ફરતા સોનાના બુલફેઝમાં ભાવ ૨૪૦૦ ડોલરની ઊંચાઈ પ્રાપ્ત કરવાની સંભાવના છે. વધુમાં કરન્સી બજારમાં જોવાથી અફડાતફડી વચ્ચે તેની અસર ઓછી કરવા સેન્ટ્રલ બેન્કો પણ સોનામાં રોકાણ કરવા પ્રેરાશે.  અન્ય એસેટ્સ સામે હેજિંગ મેળવવાના આ સદીના નવા હથિયાર બિટકોઇન તરફથી, સોના સામે મજબૂત સ્પર્ધા આવતા બુલિયન બજારના મોટા તેજીવાળા અત્યારે બજારમાં જોવાતા નથી.

મુંબઈ સ્થિત કોમોડિટી મની મેનેજર આરએસએડવાઈઝરીસના રીતુ શાહ કહે છે કે વ્યાપક રીતે કહી તો બુલિયનમાં અત્યારે જોખમી સેન્ટિમેન્ટ સર્જાયું છે. ફોરેક્સ અને શેરબજારને નીચે જવું છે, કોરોનાના નવજાત વાયરસે બજારમાં નવા પ્રકારની અચોક્કસતાઓ ઊભી કરી છે, અને આપણે જબ્બર જોખમનો સામનો કરી રહ્યા છીએ. અલબત્ત, આ કિસ્સામાં સોનાએ સેફ હેવન સ્ટેટસ પ્રાપ્ત કર્યું છે, પણ સામાન્ય રીતે આવી સ્થિતિમાં ડોલર પોતાનો ખેલ પાડવામાં માહેર હોય છે.

૧૯૯૫માં મજબૂત ડોલરની નીતિ અપનાવવામાં આવી હતી. ડોલર ઇંડેક્સ હવે ફરી ૯૦ આસપાસના ક્ષેત્રમાં ફર્યા કરે છે, ૧૮ ડિસેમ્બરે ૮૯.૬૪નું તળિયું, એપ્રિલ ૨૦૧૮ પછી ફરી સ્થાપિત કર્યું હતું. હવે અમેરિકન રાહત પકેજ ફુગાવાની અપેક્ષાને સંતોષશે. પરિણામે ૧૦ વર્ષીય અમેરિકન ટ્રેજરી બોન્ડનું યીલ્ડ સપ્ટેમ્બર પછી નવા તળિયે ગયું છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૨-૧૨-૨૦૨૦